Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > EXCLUSIVE: હું લાલચુ છું, મને થિયેટર અને સ્ક્રીન બન્ને પર કામ કરવું છે: શર્મન જોશી

EXCLUSIVE: હું લાલચુ છું, મને થિયેટર અને સ્ક્રીન બન્ને પર કામ કરવું છે: શર્મન જોશી

Published : 16 May, 2021 08:00 PM | Modified : 26 May, 2021 11:58 AM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

અંગત અને પ્રોફેશનલ જીવનને અલગ રાખવું ગમે છે આ ગુજરાતી અભિનેતાને

શર્મન જોષી

શર્મન જોષી


ગુજરાતી અભિનેતા શર્મન જોશી (Sharman Joshi)એ બિલ્ડિંગના ફંક્શનમાં નાટકો કરવાથી અભિનયની શરુઆત કરી હતી અને આજે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. થિયેટર અને સ્ક્રીન પર અભિનયનો બહોળો અનુભવ ધરાવતા અભિનેતાએ તાજેતરમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં વાતચીત કરી હતી.


શર્મન જોશીને અભિનય વારસમાં મળ્યો છે. બિલ્ડિંગના ફંકસનમાંથી કૉલેજની ઇવેન્ટ્સની સ્ટેજ પર શર્મન પહોંચ્યા તે જર્ની બહુ રસપ્રદ રહી.  પરંતુ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે અભિનેતાએ કોલેજની ડ્રામા ટીમ જોઈન કરવામાં બે વર્ષનો સમય લીધો હતો. પણ જ્યારે પહેલી વાર સ્ટેજ પર ગયા ત્યારે અભિનેતા અને દિગ્દર્શકની બેવડી ભૂમિકા ભજવી હતી. વળી એકથી વધુ ભૂમિકા ભજવવાની વાતમાં શર્મન એક્સપર્ટ છે એમ કહેવું પડે કારણકે ‘અમે લઇ ગયા તમે રહી ગયા’ નાટકમાં તેમણે એક નહીં પણ ચાર ચાર પાત્ર એક સાથે ભજવ્યા હતા.



અભિનયના બેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિએ ફિલ્મોના સેટ કે શૂટિંગ તો જોયા જ હોય એ વાત સામાન્ય છે. પરંતુ શર્મન જોશી ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને પોતે પહેલીવાર કૅમેરા ફેસ કર્યો તેનો રસપ્રદ અનુભવ જણાવ્યો હતો. નાટકમાં રિહર્સલ્સ થાય, ફિલ્મમાં રિડીંગ થાય પણ સેટ પર જઇને કૅમેરા ઓન થાય પછી ડાયલોગ બોલવાની પ્રોસેસ અને અનુભવ અલગ જ હોય છે.  શર્મન જોશીએ જણાવ્યું હતું કે, ‘હું થિયેટરનો માણસ એટલે મને મુખ્ય ડાયલોગ પહેલા આગળની બે લાઈન બોલવાની આદત હતી. જ્યારે ફિલ્મોમાં તો ડિરેક્ટર એક્શન કહે એટલે તરત મેઈન ડાયલૉગ પર આવી જવાનું હોય, એ મને બહુ મુશ્કેલ પડતી. ત્યારે જ શબાના આઝમીજીએ મને કહેલું કે, ‘‘સિનેમા ઈઝ ઑલ અબાઉટ વન લાઈન’’. બસ ત્યારથી મેં એ વાતની મારા જીવનમાં ગાંઠ બાંધી લીધી’.


આંર્તમુખી સ્વભાવના શર્મન જોશીને પોતાને શું ગમે છે અને શું નહીં એ વિષે તેમણે જણાવ્યું હતું કે, ‘મને સાદગી અને મનની શાંતિ બહુ ગમે છે. હા, ક્યારેક આળસુ બનવું અને કંઈ જ ન કરવું ગમે છે. ફિલ્મો જોવી અને ચોપડીઓ વાંચવી પણ ગમે છે. સૌથી બેસ્ટ જો કઈ હોય તો મને મારા બાળકો સાથે સમય પસાર કરવો બહુ ગમે છે’. અભિનેતાના સર્કલમાં સ્ત્રી મિત્રો બહુ છે અને તેમની સાથે વાતો કરવી, ટાઈમપાસ કરવો પણ બહુ ગમે છે તેવી રમુજ પણ તેમણે આ વાતચીતમાં કરી.

તાજેતરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર અભિનેતાએ કહ્યું હતું કે, ‘મારા પપ્પાને કારણે મને ઘણું જાણવા અને શીખવા મળ્યું છે. તેમને લીધે થિયેટરમાં મને પ્રેમ ખુબ મળ્યો પરંતુ સાથે મારી માટે એ સમય મુશ્કેલ પણ એટલો જ હતો. પપ્પાએ થિયેટરમાં એક અલગ બેન્ચમાર્ક સેટ કર્યો હતો. જ્યાં સુધી મારે પહોંચવાનું હતું. હું જ્યારે થિયેટર કરતો ત્યારે લોકો મને આવીને કહેતા કે બહુ સરસ કરે છે અને પછી એમ પણ કહેતા કે પપ્પા જેટલું નહીં. ત્યારે મારો આત્મવિશ્વાસ ડગમગી જતો. પરંતુ પપ્પા જ હતા જે મને તે સમયે ધીરજ રાખવાની સલાહ અને હિંમત બન્ને આપતા’.


લૉકડાઉન વિશે વાત કરતા શર્મન જોશીએ કહ્યું હતું કે, ‘મારે ત્રણ બાળકો છે, એક દીકરી અને બે દીકરા. મારે લૉકડાઉનમાં કંઈ કરવાની જરુર જ નથી પડી. કારણકે મારા ત્રણેય બાળકો બધું કરતા અને એમને સાચવવામાં જ મારો સમય જતો રહેતો. બાળકો પાછળ અને એમની સાથે સમય પસાર કરવામાં કરવામાં લૉકડાઉન ક્યાં જતું રહ્યું કે ક્યા જાય છે એ મને વર્ષ દરમિયાન ખબર જ નથી પડી.

ભગવાનમાં ભરોસો રાખતા અભિનેતાનું કહેવું છે કે, ‘હું કયારેય પ્લાન કરીને કંઈ નથી કરતો. હંમેશા ભગવાન પર બધુ છોડી દઉં છું’. શર્મન જોશી હવે નેટફ્લિક્સની અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘પેન્ટહાઉસ’માં જોવા મળશે. આ સિવાય ઉમેશ શુક્લા દિગ્દર્શિત ગુજરાતી નાટક પરથી બનાવવામાં આવેલી ફિચર ફિલ્મ ‘આંખમિચોલી’ પણ જલ્દી રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2021 11:58 AM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK