રાજકુમાર રાવે હાલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવા વિશે ઇમરાન હાશ્મીએ કહ્યું...
ઇમરાન હાશ્મી
રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવા વિશે ઇમરાન હાશ્મીના અલગ વિચાર છે. થોડા સમય પહેલાં રાજકુમારે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ તેણે એ વાતને ફગાવી દેતાં કહ્યું કે ફક્ત ફિલર્સ કરાવ્યાં છે. જોકે એમ છતાં લોકોનું માનવું છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ઇમરાનને હાલમાં એક ઇન્ટરવ્યુમાં પ્લાસ્ટિક સર્જરી કરાવવા વિશે સવાલ પૂછવામાં આવ્યો એ દરમ્યાન ઇમરાને નામ પૂછતાં રાજકુમાર રાવનું નામ સજેસ્ટ કરતાં હસતાંની સાથે તેણે એમાં હા ભણી હતી. આ વિશે વિગતવાર જવાબ આપતાં ઇમરાને કહ્યું હતું કે ‘દરેકને પોસ્ટરબૉય અથવા ગર્લ બનવું છે. આ એક રિયલિટી છે. મારો મતલબ કૉસ્મેટિક બિઝનેસ વિશે છે. આ ફક્ત બૉલીવુડમાં જ નથી, તેમણે દરેક જગ્યાએ માર્કેટિંગ ખૂબ સારી રીતે કર્યું છે અને એ જ સુંદરતાની ઓળખ બની ગયું છે. આથી લોકો પોતાની જાતને એ રીતે દેખાડવા માટે કાંઈ પણ કરે છે જેથી તેમને પ્રેમ મળે અને તેઓ પોતાની જાત માટે સારું ફીલ કરી શકે. કૉસ્મેટિક સર્જરીની વાત કરીએ તો આજ સુધી મેં એકેય નથી કરાવી.’