શાહરુખ ખાન વિરુદ્ધ કરવામાં આવ્યાં સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ‘પઠાન’નો વિરોધ
અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારના એક મૉલમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હલ્લાબોલ કરી ‘પઠાન’ના ‘બેશરમ રંગ’ ગીત સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. પોસ્ટર ફાડી, સ્ટૅન્ડી પાડી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાહરુખ ખાનની ‘પઠાન’ના ગીત સામેનો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ માટે રોજ નવી મુસીબત આવી રહી છે. ગઈ કાલે અમદાવાદના એક મલ્ટિપ્લેક્સમાં પણ આવી જ એક મુસીબતનો સામનો ફિલ્મે કરવો પડ્યો હતો. જોકે પોલીસે આવીને મામલો થાળે પાડીને આઠ જણને ડીટેન કર્યા હતા. મલ્ટિપ્લેક્સની બહાર મુકાયેલા ફિલ્મના પોસ્ટરને ફાડી નાખ્યું હતું તેમ જ સ્ટૅન્ડીને નીચે પાડી દીધી હતી. લોકોએ ‘નીમ કા પત્તા કડવા હૈ, શાહરુખ ખાન ----- હૈ’ કહીને તેની વિરુદ્ધ અભદ્ર શબ્દ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. વીએચપીએ મલ્ટિપ્લેક્સમાં જઇને ગીત અને એનાં દૃશ્યો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ દૃશ્યો અને ગીત સાથે ફિલ્મ નહીં ચાલવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
‘પઠાન’માં દસથી વધુ કટ્સ કરવામાં આવ્યા
શાહરુખ ખાનની ‘પઠાન’માં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને દસ કરતાં વધુ કટ સજેસ્ટ કર્યા છે. આ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણી કન્ટ્રોવર્સી થઈ હતી. આ ગીતમાં દીપિકાએ ભગવા કલરની બિકિની પહેરી હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે વચ્ચે એવી વાત આવી હતી કે બિકિનીનો કલર બદલવા માટે સેન્સર બોર્ડે તેમને સૂચના આપી દીધી હતી. એ સમયે સેન્સર બોર્ડના ચૅરપર્સન પ્રસૂન જોષીનું સ્ટેટમેન્ટ પણ આવ્યું હતું. જોકે હાલમાં જે કટ સજેસ્ટ કરવામાં આવ્યા છે એમાં ગીતનો કોઈ ઉલ્લેખ નથી. આથી એમાં બદલાવ કરવામાં આવ્યો છે કે નહીં એ વિશે હજી સસ્પેન્સ છે. આ સજેશનમાં RAWની જગ્યાએ હમારે શબ્દનો ઉપયોગ કરવા કહ્યું છે. તેમ જ લંગડે લૂલેની જગ્યાએ ટૂટે ફૂટે, અશોક ચક્રની જગ્યાએ વીર પુરસ્કાર, એક્સ-કેજીબીની જગ્યાએ એક્સ-એબીયુ અને મિસિસ ભારતમાતાની જગ્યાએ હમારી ભારતમાતાનો ઉપયોગ કરવા કહ્યું છે. આ સાથે જ બ્લૅક પ્રિઝન, રશિયાની જગ્યાએ ફક્ત બ્લૅક પ્રિઝન અને પીએમની જગ્યાએ પ્રેસિડન્ટ અથવા તો મિનિસ્ટરનો ઉપયોગ કરવા કહ્યું છે. તેમ જ પીએમઓ ૧૩ જગ્યાએ આવે છે એ દરેક જગ્યાએ દૂર કરવા જેવું સૂચન આપ્યું છે.