એલી સ્વીડનના સ્ટૉકહોમથી આવી છે
એલી અવરામ
એલી અવરામને એ વાતની ખુશી છે કે ફૉરેનર્સને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રેમ અને પ્રશંસા મળે છે. એલી સ્વીડનના સ્ટૉકહોમથી આવી છે. તેણે ‘કિસ કિસ કો પ્યાર કરું’, ‘મિકી વાઇરસ’ અને ‘મલંગ’માં કામ કર્યું છે. ફૉરેનર્સને મળતા પ્રેમથી ખુશ એલી અવરામે કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે અન્ય ફૉરેનર્સ ખૂબ સારું કામ કરે છે અને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને ખૂબ પ્રેમ અને પ્રશંસા મળે છે. બૉલીવુડ એક એવું સ્થાન છે જેને વિશ્વના લોકો પ્રેમ કરે છે અને અહીં આવવા માટે આતુર હોય છે. હું પણ તેઓમાંની જ એક છું. હું બાળપણથી જ બૉલીવુડના પ્રેમમાં છું. હું હંમેશાં એક ફૉરેનર ઍક્ટ્રેસ પાસેથી પ્રેરણા લેવા માગતી હતી. હું ભારતીય ન હોવા છતાં બૉલીવુડમાં સખત મહેનત કરતી આવી છું. મને આજે પણ યાદ છે કે ‘લવ આજ કલ’માં બ્રાઝિલની એક યુવતીએ ભારતીય પાત્ર ભજવ્યું હતું. હું મારી જાતને માત્ર એટલું જ કહું છું કે જો તે કરી શકે છે તો હું પણ કરી શકું છું.’
બૉલીવુડમાં મળતી ઑફર્સને લઈને એલી અવરામે કહ્યું કે ‘મેં જે દિવસે બૉલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી વસ્તુસ્થિતિ બદલાઈ ગઈ છે. મને ઘણી બધી ઑફર્સ મળી હતી. ડેટ્સ ક્લૅશ થતી હોવાથી ક્યારેક એમ થતું કે મારે કઈ ઑફરનો સ્વીકાર કરવો. એવું જ્યારે થતું ત્યારે હું આભારની લાગણી વ્યક્ત કરતી કે તમારી સખત મહેનતનું ફળ તમને મળી જ રહે છે.’

