ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ રિલીઝ થશે એકતા કપૂરની ધ મૅરિડ વુમન
ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ રિલીઝ થશે એકતા કપૂરની ધ મૅરિડ વુમન
મંજુ કપૂરના જાણીતા પુસ્તક ‘અ મૅરિડ વુમન’ પર આધારિત વેબ-સિરીઝ ‘ધ મૅરિડ વુમન’ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થવાની છે. એકતા કપૂરે ગયા વર્ષે જાન્યુઆરીમાં આ સિરીઝનું અનાઉન્સમેન્ટ કર્યું હતું, પણ મહામારીને કારણે એ અટકી ગઈ અને હવે ૮ માર્ચે રિલીઝ થવાની છે. આ સિરીઝમાં રિદ્ધિ ડોગરા અને મોનિકા ડોગરા લેસ્બિયન કપલ તરીકે જોવા મળશે. વાર્તામાં ૧૯૯૨ના બાબરી મસ્જિદ ધ્વંસનું બૅકડ્રૉપ છે. આસ્થા (રિદ્ધિ ડોગરા) દિલ્હીની મધ્યમવર્ગીય અને ભણેલી યુવતી છે જે આદર્શ પત્ની અને માતા છે. જોકે બહારથી પર્ફેક્ટ લાગતી લાઇફથી તેને અસંતોષ હોય છે અને તે પીપલિકા (મોનિકા ડોગરા) નામની આર્ટિસ્ટના પ્રેમમાં પડે છે. તાજેતરમાં ‘ધ મૅરિડ વુમન’નું ટીઝર પણ રિલીઝ થયું છે.
આ શોમાં ૧૯૯૨ની વાત છે, પણ સજાતીય સંબંધનો મુદ્દો આજે પણ એટલો જ રિલેટેબલ છે એવું શોના કલાકારોનું કહેવું છે. ‘મર્યાદા’ સિરિયલથી જાણીતી બનેલી રિદ્ધિ ડોગરા છેલ્લે ‘અસુર’ સિરીઝમાં જોવા મળી છે, તો મોનિકા ડોગરાએ ‘રૉક ઑન’, ‘બ્રેક કે બાદ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ઇમાદ શાહ, દિવ્યા સેઠ, સુહાસ આહુજા, નાદિરા બબ્બર વગેરે પણ ‘ધ મૅરિડ વુમન’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે.

