આ રોલ માટે હું ૯૯.૯ ટકા કન્ફર્મ હતો, પરંતુ અચાનક જ મેં અનાઉન્સમેન્ટ વાંચી તો એમાં મારા નામની જગ્યાએ કોઈ બીજાનું નામ હતું- રોનિત રૉય
રોનિત રૉય
ફિલ્મમેકર સુભાષ ઘઈની ૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પરદેસ’ માત્ર સુપરહિટ જ નહોતી, એણે નવોદિત મહિમા ચૌધરીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ એ વર્ષે ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ‘પરદેસ’માં શાહરુખ ખાન અને મહિમા ચૌધરી મુખ્ય ભૂમિકામાં હતાં અને સાથે અપૂર્વ અગ્નિહોત્રી પણ હતો.
જોકે આ ફિલ્મ સાથે સંકળાયેલી એક મોટી હકીકતનો તાજેતરમાં ખુલાસો થયો છે. ઍક્ટર રોનિત રૉયે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શાહરુખ ખાનના રોલ માટે તેને કન્ફર્મ કરવામાં આવ્યો હતો, પણ પછી સુભાષ ઘઈએ રોનિતને જાણ કર્યા વિના જ ફિલ્મમાંથી રિપ્લેસ કરી દીધો હતો.
ADVERTISEMENT
રોનિત રૉયે જણાવ્યું હતું કે તે સુભાષ ઘઈને પિતા સમાન માનતો હતો અને કરીઅરની શરૂઆતમાં પાંચ વર્ષ સુધી તેમની સાથે રહ્યો હતો અને સુભાષ ઘઈએ જ તેને રહેવા માટે ઘર, છત અને ભોજન આપ્યાં હતાં.
રૉનિતે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે ‘એક ફિલ્મ બની રહી હતી ‘પરદેસ’, જેમાં શાહરુખ ખાન હતો. આ રોલ માટે હું ૯૯.૯ ટકા કન્ફર્મ હતો, પરંતુ અચાનક જ મેં અનાઉન્સમેન્ટ વાંચી તો એમાં મારા નામની જગ્યાએ કોઈ બીજાનું નામ હતું. કોઈ એવી વ્યક્તિનું નામ હતું જે મારા માટે ભાઈ સમાન છે. સુભાષ ઘઈ મારા માટે પિતા સમાન છે, આ જ કારણ છે કે મેં તેમને ક્યારેય પૂછ્યું નહીં કે તેમણે મને બ્રેક કેમ ન આપ્યો.’

