ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પુરુષો શું દૂધ અને બિસ્કિટ પર જીવે છે?
સોના મોહાપાત્રા
સોના મોહાપાત્રાનું કહેવું છે કે બૉલીવુડના ડ્રગ્સ કેસમાં પુરુષોનાં નામ કેમ નથી આવી રહ્યાં. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસને કારણે બૉલીવુડમાં ડ્રગ્સ કેસ ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ કેસમાં રિયા ચક્રવર્તી બાદ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને દીપિકા પાદુકોણ જેવાં ઘણાં નામ આવ્યાં છે. જોકે હજી સુધી પુરુષનાં નામ નથી આવ્યાં. આ વિશે સોના મોહાપાત્રાએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં સોનાએ લખ્યું હતું કે ‘સીબીડી ઑઇલ, ગાંજા અને વૉટ્સઍપ ચૅટને જે ઉત્સાહથી દેખાડવામાં આવે છે એને જોતાં ટીવી પર આવતી સ્ટોરી ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે. સીબીડી ઑઇલ વિશે મેં ગયા વર્ષે સાંભળ્યું હતું જ્યારે મારી બહેને કૅન્સર માટે વિવિધ સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. તેના દુખાવા અને હીલિંગ માટે આ ઑઇલ કેટલું જાદુઈ છે એ વિશે મને કહેવામાં આવ્યું હતું. દુઃખની વાત છે કે મુંબઈમાં એ અમને સરળતાથી મળ્યું નહોતું. બ્રિટિશરોએ જ્યારે ગાંજા પર બૅન મૂક્યો એ પહેલાં એનો ઉપયોગ આયુર્વેદમાં થતો હતો. કલ્ચરનો ઝંડો લઈને આગળ ચાલતા લોકોએ આ વાતની ખાસ નોંધ લેવી જોઈએ. ડ્રગ્સને લઈને આ જે વાતચીત ચાલી રહી છે એને લઈને ડ્રગ્સને સપલાય કરતા કાર્ટેલ સુધી પહોંચવામાં આવે તો સારી વાત છે. જોકે નવાઈની વાત એ છે કે ફક્ત મહિલા સ્ટાર્સનો જ અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પુરુષો ફક્ત દૂધ અને બિસ્કિટ પર જ રહે છે? હું કોઈનાં પણ નામ નથી લઈ રહી. જોકે તેમને બ્રૅન્ડ દ્વારા રોલ મૉડલ હોવાથી ખૂબ જ પૈસા ચૂકવવામાં આવે છે અને એથી નામ બહાર ન આવે તો નવાઈ નહીં. જો તમારે વધુ પૈસા કમાવવા હોય તો તમારે લોકોના સ્કૅનરમાંથી પસાર થવું પડે છે. ફૅમિલી વૅલ્યુને મહત્ત્વ ન આપતો હોવાનું બહાર આવ્યું ત્યારે ટાઇગર વુડ્સ પાસેથી નાઇકી બ્રૅન્ડ દૂર જતી રહી હતી. લિયોનાર્ડો ડીકૅપ્રિયો જેવા સ્ટાર્સ પણ છે જેઓ એન્ડૉર્સમેન્ટ નથી કરતા અને તેમની લાઇફને પોતાની મરજીથી જીવવાનું પસંદ કરે છે. ડબલ સ્ટાન્ડર્ડ હોવાની જરૂર નથી. તમારી ઍક્શનનાં ખરાબ પરિણામ આવી શકે છે અને એથી જ તમે ડ્રગ્સને ના કહો તો સારું છે.’

