લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આદિપુરુષ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે.
પ્રભાસ ઇન આદિપુરુષ
ઓમ રાઉતે ડિરેક્ટ કરેલી ‘આદિપુરુષ’ હાલમાં વિવાદના વમળમાં સપડાઈ છે. લોકોને એના કેટલાક ડાયલૉગ્સ પસંદ નથી પડી રહ્યા. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં રાઘવની ભૂમિકામાં પ્રભાસ, જાનકીના રોલમાં ક્રિતી સૅનન, હનુમાનની ભૂમિકામાં દેવદત્ત નાગે, લક્ષ્મણની ભૂમિકામાં સની સિંહ અને લંકેશના રોલમાં સૈફ અલી ખાન જોવા મળી રહ્યો છે. ‘રામાયણ’ સિરિયલ બનાવનાર રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે પણ આ ફિલ્મને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ ફિલ્મમાં તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. આ ફિલ્મને મળી રહેલા રિસ્પૉન્સ પર ઓમ રાઉતે કહ્યું કે ‘અમારા માટે ફિલ્મને બૉક્સ-ઑફિસ પર જે રિસ્પૉન્સ મળી રહ્યો છે એ અગત્યનું છે. મને એ વાતની ખુશી છે કે પહેલા જ દિવસે ફિલ્મે ગ્લોબલ બૉક્સ-ઑફિસ પર અતુલનીય બિઝનેસ કર્યો હતો. જો હું એમ જણાવું કે મેં રામાયણને પૂરી રીતે સમજી લીધી છે તો એ ખૂબ મોટી ભૂલ હશે, કારણ કે મને એવું લાગે છે કે કોઈનામાં એવી ત્રેવડ નથી કે તે રામાયણને સમજી શકે. જેટલી રામાયણ મને સમજાઈ છે, જેટલી તમને સમજાઈ છે એ માત્ર એક ખિસકોલીના યોગદાન જેટલું છે. હું રામાયણને લઈને જે થોડું સમજ્યો છું એને મોટા પડદા પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે. રામાયણ એટલું તો વિશાળ છે કે એને કોઈ ન સમજી શકે. જો કોઈ તમને એમ કહે કે તેને રામાયણ સમજાઈ ગઈ છે તો તે મૂરખ છે અથવા તો જૂઠું બોલે છે.’
લખનઉમાં નોંધાયો એફઆઇઆર
ADVERTISEMENT
લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ એફઆઇઆર નોંધાવ્યો છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ ફિલ્મમેકર્સ અને ફિલ્મના કલાકારો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો છે. શિશિર ચતુર્વેદીએ જણાવ્યું કે ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાનજનક ડાયલૉગ્સ અને કૉસ્ચ્યુમ્સ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમેકર્સમાં એટલી હિમ્મત નથી કે તેઓ અન્ય ધર્મ વિશે ફિલ્મ બનાવી શકે.