‘દેવદાસ’નો મહેલ હોય કે પછી ‘લગાન’નું ગામ હોય, બૉલીવુડના સૌથી શ્રેષ્ઠમાંના એક આર્ટ ડિરેક્ટરને મધુર ભંડારકર, મિલન લુથરિયા અને કેતન મહેતાએ આપી શ્રદ્ધાંજલિ
નીતિન દેસાઈ
થિયેટરમાં જ્યારે લાઇટ ડિમ થાય છે ત્યારે એક પ્રકારનું મૅજિક જેવું થાય છે અને આપણે સીધા અલગ જ દુનિયામાં ટ્રાન્સપોર્ટ થઈ જઈએ છીએ. આપણું નસીબ સારું હોય તો આપણે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈની દુનિયામાં પ્રવેશીએ છીએ. ૨૦૦૧માં આવેલી ‘લગાન’નું એકદમ ઓરિજિનલ હોય એવું ગામ, ૨૦૦૨ માં આવેલી ‘દેવદાસ’નો મહેલ, ૨૦૦૮માં આવેલી ‘જોધા અક્બર’નો ૧૬મી સેન્ચુરીનો મહેલ હોય કે પછી ૨૦૧૦માં આવેલી ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’માં ૧૯૭૦ના દાયકાનું મુંબઈ હોય; તેમણે દરેક સેટને ખૂબ જ રિયલ બનાવ્યો છે. આ માટે તેમને ચાર વાર નૅશનલ અવૉર્ડ પણ મળ્યો છે.
ગૅન્ગસ્ટર ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ના ડિરેક્ટર મિલન લુથરિયાને હજી પણ યાદ છે કે તેમણે આ ફિલ્મનું શૂટિંગ અજય દેવગન અને ઇમરાન હાશ્મી સાથે રિયલ લોકેશન પર કર્યું હતું. જોકે લોકોના ટોળાને કન્ટ્રોલ ન કરી શકતાં તેમણે ફિલ્મને સેટ પર બનાવવાનું નક્કી કર્યું હતું. આ સમયે તેમને કોઈએ પ્રોડક્શન ડિઝાઇનર રેકમન્ડ કર્યો હતો. આ વિશે મિલન લુથરિયાએ કહ્યું કે ‘મારા દિમાગમાં શું ચાલી રહ્યું હતું એ મેં નીતિનને કહ્યું હતું. તેમણે મને કહ્યું કે કોઈ પ્રૉબ્લેમ નહીં, આ બધું તેના કર્જતના એનડી સ્ટુડિયોમાં શક્ય બનશે. ત્યાર બાદ તે એક પ્લાન અને કેટલાક સ્કેચ લઈને મારી પાસે આવ્યો. તેણે વિન્ટેજ કૅફે અને સુલતાનના ઘરને વાઇટ બનાવ્યું હતું. તેણે એક સ્ટ્રીટ પણ તૈયાર કરી જ્યાં અમે ‘પી લૂં’નું શૂટિંગ કર્યું હતું. તેમની એક જોરદાર ક્વૉલિટી હતી કે તેઓ ફિલ્મની સેન્સિબિલિટીને ખૂબ જ સારી રીતે પારખી જતા હતા. તેમને એ વાતનો એહસાસ હતો કે દરેક ફિલ્મની અલગ ડિમાન્ડ હોય છે અને આથી જ તેમની દરેક ફિલ્મ એકદમ અલગ દેખાતી હતી.’
ADVERTISEMENT
મિલન લુથરિયાનું કહેવું છે કે અજય દેવગનનું પાત્ર જ્યારે સ્પીચ આપી રહ્યું હોય છે ત્યારે તેના પર જ્યારે અટૅક થાય છે એ સૌથી મુશ્કેલ હતું. જોકે નીતિન દેસાઈ તરત જ એક સોલ્યુશન સાથે તેની પાસે ગયા હતા. આ વિશે મિલન લુથરિયાએ કહ્યું કે ‘સ્ટુડિયો ઓરિજિનલ એવો નહોતો દેખાતો. ત્યાં એક કેઓસ હતો, આથી તેમણે તરત જ બૅકડ્રૉપનો કલર બદલી કાઢ્યો. તેમણે ત્યાં સાઇડ પર એક દીવાલ તૈયાર કરી અને અમુક વસ્તુ ત્યાંથી કાઢી નાખી, કારણ કે અમે જે ઈરાની ફિલ્મ બનાવતા હતા એ સમયની એ સ્ટાઇલ નહોતી. જો તમને કોઈ ઇશ્યુ હોય અને સોલ્યુશનની જરૂર હોય તો નીતિન પાસે એ મળી રહેતું હતું.’
૨૦૦૭માં આવેલી ‘ટ્રાફિક સિગ્નલ’ અને ૨૦૦૮માં આવેલી ‘ફૅશન’માં મધુર ભંડારકરે તેમની સાથે કામ કર્યું હતું. નીતિન દેસાઈને છેલ્લે તે ફેબ્રુઆરીમાં તેની દીકરીનાં લગ્નમાં મળ્યો હતો. આ વિશે વાત કરતાં મધુર ભંડારકરે કહ્યું કે ‘તેમનું હાસ્ય સાંભળીને કોઈ પણ કહી દેતું કે અહીં નીતિન દેસાઈ છે. અમે સાથે કામ ન કરી રહ્યા હોય તો પણ તેઓ ઘણી વાર મારી ઑફિસ પર ચાય પર ચર્ચા કરવા માટે આવતા હતા. નીતિને આવું સ્ટેપ શું કામ લીધું એ સમજવું ખૂબ જ મુશ્કેલ છે.’
૧૯૯૮માં આવેલી ‘ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર’, ૧૯૯૮માં આવેલી ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘લગાન’ અને ‘દેવદાસ’ માટે તેમને નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યો છે. આ વિશે વાત કરતાં મધુર ભંડારકરે કહ્યું કે ‘તેમની ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’ બાદ જો કોઈએ એકદમ ગ્રૅન્ડ સેટ બનાવવો હોય તો નીતિન દેસાઈ પાસે આવવું પડતું હતું. જોકે તે રિયલિસ્ટક ફિલ્મ જેવી કે ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘જેલ’ અને ‘ઇન્દુ સરકાર’ના સેટ બનાવવા માટે પણ જિનીયસ હતા. ‘જેલ’નો સેટ બનાવવા માટે તેમણે યેરવડા અને થાણેની જેલની મુલાકાત લીધી હતી જેથી તે એકદમ રિયલ જેલ બનાવી શકે. મેં જ્યારે તેમને કૉનોટ પ્લેસ માટે કહ્યું ત્યારે તેમણે મને પ્રૉમિસ આપ્યું હતું કે તે દિલ્હીની એ જગ્યાને હૂબહૂ બનાવશે. આ સેટને જોઈને હું અવાચક થઈ ગયો હતો. મેં કેટલાક ફોટો ક્લિક કર્યા અને દિલ્હીના મારા કેટલાક ફ્રેન્ડ્સને મોકલ્યા તો તેઓ પણ માનવા તૈયાર નહોતા કે આ ફિલ્મનો સેટ છે. તેઓ હંમેશાં બજેટને લઈને ફ્લેક્સિબલ હતા અને કહેતા કે મૈં કરકે દેતા હૂં.’
૨૦૦૫માં આવેલી આમિર ખાનની ‘મંગલ પાંડે : ધ રાઇઝિંગ’ પહેલી ફિલ્મ હતી જેનું શૂટિંગ કર્જતના એનડી સ્ટુડિયોમાં થયું હતું. આ ફિલ્મને કેતન મહેતાએ ડિરેક્ટ કરી હતી. તેઓ બન્નેએ ૨૮ વર્ષ દરમ્યાન ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ વિશે કેતન મહેતાએ કહ્યું કે ‘તેમણે જ્યારે સ્ટુડિયોને લૉન્ચ કર્યો હતો ત્યારે ‘મંગલ પાંડે’ના કવ્વાલી ગીતનું શૂટિંગ સૌથી પહેલાં કરવામાં આવ્યું હતું. તે ખૂબ જ ડિસિપ્લિન્ડ અને સિસ્ટમૅટિક ડિઝાઇનર હતા. અમે શૂટિંગ શરૂ કરીએ એ પહેલાં જ કેવી રીતે વિઝ્યુઅલ લેવાનાં અને કેવી રીતે શૂટ કરવું વગેરે તેમણે નક્કી કરીને રાખ્યું હતું. નીતિન ખૂબ જ જિનીયસ હતા અને તેમનું યોગદાન ખૂબ જ હતું.’
‘જોધા અક્બર’ અને ‘ફૅશન’ જેવી ઘણી ફિલ્મોમાં નીતિન દેસાઈ સાથે પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાએ કામ કર્યું હતું. આ વિશે રૉની સ્ક્રૂવાલાએ કહ્યું કે ‘તેઓ જે પણ કામ કરતા એમાં તેમનું સર્વસ્વ આપી દેતા હતા. તેઓ હંમેશાં ખૂબ જ ઊંચું વિચારતા અને ત્યાર બાદ એને શક્ય પણ બનાવતા. તેમના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે.’
- ઉપાલા કેબીઆર, હિરેન કોટવાણી, પ્રિયંકા શર્મા

