આજે ડીડીએલજેને 25 વર્ષ થતાં કાજોલે કહ્યું...
કાજોલ
કાજોલનું કહેવું છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું સિમરનનું પાત્ર તેને પહેલાં ખૂબ જ બોરિંગ લાગ્યું હતું. આ ફિલ્મ ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બૉલીવુડની થિયેટરમાં સૌથી લાંબી ચાલનારી ફિલ્મ છે. એને હજી પણ મરાઠા મંદિરમાં દેખાડવામાં આવે છે. જોકે લૉકડાઉનને કારણે એ બંધ છે. સિમરન અને રાજ એટલે કે શાહરુખ ખાન સાથેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. આ વિશે કાજોલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ડીડીએલજે ટાઇમલેસ છે, કારણ કે સિમરન અને રાજમાં કોઈને કોઈ સ્થળે દરેક વ્યક્તિ પોતાને જુએ છે. તેમને લાગે છે કે તેઓ પણ આ પાત્રો જેવાં જ છે. તેઓ આ પાત્રને ઘણાં-ઘણાં વર્ષોથી પસંદ કરતા આવ્યા છે અને આ એવી વસ્તુ છે જેને તમે હંમેશાં પસંદ કરો છો અને કરતા રહો છો.’
સિમરનના પાત્ર વિશે વાત કરતાં કાજોલે કહ્યું હતું કે ‘સાચું કહું તો સિમરનનું પાત્ર મને થોડું બોરિંગ લાગ્યું હતું, પરંતુ હું એને ઓળખી શકી હતી. મને અહેસાસ થયો છે કે આપણા બધાની અંદર કશેને કશે સિમરન છે. દરેક વ્યક્તિની અંદર હંમેશાં યોગ્ય વસ્તુ કરવાની ઇચ્છા હોય છે. ઘણા લોકો જે યોગ્ય છે એ નથી કરતા, પરંતુ આપણે હંમેશાં એ કરવાની ઇચ્છા રાખીએ છીએ. તમને હંમેશાં અપ્રૂવલની જરૂર પડે છે કે તમે દુનિયામાં જે કરી રહ્યા છો એ યોગ્ય છે. સિમરન પણ આવી હતી. તે થોડી ઓલ્ડ-ફૅશન, પરંતુ કૂલ હતી.’
ADVERTISEMENT
કાજોલનું કહેવું છે કે આદિત્ય ચોપડાને શું કરવું છે એ હંમેશાં તેને ખબર હોય છે અને એ જ વાત તેને લોકોથી અલગ પાડે છે. ફિલ્મની સફળતા વિશે કાજોલે કહ્યું હતું કે ‘અમે ડીડીએલજેનું શૂટિંગ કરી રહ્યાં હતાં, પરંતુ એવું ક્યારેય નહોતું લાગ્યું કે ફિલ્મ બનાવી રહ્યાં છીએ. અમે એવી આશા રાખી રહ્યાં હતાં કે અમે ખૂબ જ કૂલ ફિલ્મ બનાવી રહ્યાં છીએ અને એ હિટ રહેશે. અમે બધાં એ પણ આશા રાખી રહ્યાં હતાં કે મ્યુઝિક લોકોને પસંદ આવે, પરંતુ એને જે સફળતા મળી હતી એ અમે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું.’