દિલજિતની કૉન્સર્ટમાં ઝૂમી સેલિબ્રિટીઝ , કરીનાનું ચક્રાસન અને વધુ સમાચાર
દિલજીત દોસંજ , શાહ રૂખ ખાન
શાહરુખ ખાને દિલજિત દોસંજને દેશનો બેસ્ટ ઍક્ટર કહ્યો છે. આ વાત ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ કહી છે. તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ પંજાબના સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. તેમનું અસલી નામ ધન્નીરામ હતું. ફિલ્મમાં દિલજિતને લેવા વિશે પૂછવામાં આવતાં ઇમ્તિયાઝ અલી કહે છે, ‘શાહરુખ ખાને મને કહ્યું કે દેશનો બેસ્ટ ઍક્ટર દિલજિત છે. જો દિલજિતે આ રોલ કરવાની ના પાડી હોત તો કદાચ આ ફિલ્મ પણ ન બની હોત. અમે નસીબદાર છીએ. આનાથી સારું કાસ્ટિંગ તો હોઈ જ ન શકે.’શાહરુખે કરેલી પ્રશંસા પર દિલજિતે કહ્યું, શાયદ મૂડ મેં હોંગે.
દિલજિતની કૉન્સર્ટમાં ઝૂમી સેલિબ્રિટીઝ
દિલજિત દોસંજની મુંબઈમાં હાલમાં કૉન્સર્ટ યોજવામાં આવી હતી. અનેક સેલિબ્રિટીએ હાજર રહીને એ ઇવેન્ટને ખૂબ એન્જૉય કરી હતી. ક્રિતી સૅનન, વરુણ ધવન, મનીષ પૉલ, અંગદ બેદી, આયુષમાન ખુરાના, રાજકુમાર રાવ, તમન્ના ભાટિયા, વિજય વર્મા, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પણ હાજર રહ્યાં હતાં. મનીષ પૉલે ઇન્સ્ટાસ્ટોરી પર એક ક્લિપ શૅર કરી હતી; જેમાં તે, ક્રિતી અને વરુણ પણ દિલજિતનાં ગીતો પર ડાન્સ કરી રહ્યાં હતાં તો બીજી તરફ કરીના કપૂર ખાને દિલજિતની કૉન્સર્ટની એક ક્લિપ શૅર કરીને કૅપ્શન આપી, હું તેની ફૅન ગર્લ છું.
ફુટબૉલ લવર્સ
બૉલીવુડની સેલિબ્રિટીઝ સ્પોર્ટ્સમાં પણ ખાસ્સોએવો રસ ધરાવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે વિવિધ સ્પોર્ટ્સ રમવા માંડે છે. રવિવારે સેલિબ્રિટીઓએ ફુટબૉલ રમીને મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી મૅચમાં ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ ફુટબૉલ રમતા જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન આજે ફિલ્મોમાં ખૂબ ઍક્ટિવ છે. તે પણ ખૂબ જોશ સાથે ફુટબૉલ રમતો દેખાયો હતો. બીજી તરફ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળેલો જિમ સર્ભ પણ ફુટબૉલ રમ્યો હતો. સાથે જ ફિલ્મમેકર શૂજિત સરકાર પણ ફુટબૉલ રમતા દેખાયા હતા. (તસવીર : નિમેશ દવે)
પાણીપૂરીનો પ્રેમી
વિકી કૌશલ સ્ટ્રિક્ટ ડાયટનું પાલન કરતો હોવાથી તેના ફેવરિટ ફૂડથી દૂર રહે છે. તે હાલમાં ફિલ્મ ‘છાવા’નું શૂટિંગ કરી રહ્યો છે. એના માટે તેણે ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું હતું. કલાકારો પોતાની ફિલ્મના પાત્રમાં ઢળવા માટે તનતોડ મહેનત કરે છે. ઘણા સમય સુધી તેમને પોતાના ફેવરિટ ફૂડથી દૂર રહેવું પડે છે. એવામાં જ્યારે તેમને મનગમતી વાનગી ખાવા મળે તો તેમના ચહેરા પર અનોખો આનંદ જોવા મળે છે. આવું જ વિકી સાથે થયુ છે. પાણીપૂરી ખાતો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી, ‘ઘણા મહિનાઓ બાદ ચીટમીલની તક મળી છે તો પાણીપૂરી જરૂર ખાવી જોઈએ. રો દૂંગા મૈં આજ. લવ યુ.’
કરીનાનું ચક્રાસન
કરીના કપૂર ખાન તેની પર્સનલ લાઇફને સોશ્યલ મીડિયામાં શૅર કરતી રહે છે. તે હેલ્થને લઈને પણ સજાગ રહે છે. યોગ કરતા ફોટો તે શૅર કરે છે. ગઈ કાલે પણ તેણે ચક્રાસન કરતો ફોટો શૅર કર્યો હતો. તેના આ ફોટોને જોઈને તેના ફૅન્સ તેની પ્રશંસા કરતાં થાકતા નથી. કરીના હાલમાં તેની ફિલ્મ ‘ક્રૂ’ની સફળતાને માણી રહી છે. ચક્રાસન કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી, ‘સન્ડે પ્લાન્સ? મારા માટે તો યોગ છે અને તમે ‘ક્રૂ’ જુઓ.’
અરે મૈં હી તો હૂં
પોતાની હમશકલને જોઈને શ્રદ્ધાએ આવું કહ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટના ફૅન્સમાં ગજબનો જોશ જોવા મળે છે. એ દરમ્યાન એક વિડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને એ વિડિયો છે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી યુવતીનો. તેનું સ્માઇલ, તેના લુક્સ અને હેરસ્ટાઇલ પણ આબેહૂબ શ્રદ્ધા જેવાં જ છે. આ યુવતીનું નામ પ્રગતિ નાગપાલ છે અને ઇન્સ્ટાગ્રામ પર ૧૮૪ હજારથી વધારે તેના ફોલોઅર્સ છે. તે એક પ્રોફેશનલ સિંગર છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે મૅચ ચાલી રહી હતી. એ દરમ્યાન કૅમેરામૅને સ્ટૅન્ડ્સ તરફ કૅમેરા ફેરવીને એ યુવતી પર ફોકસ કર્યું હતું. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એથી શ્રદ્ધા કપૂરે પણ એના પર રીઍક્ટ કર્યું છે. એ યુવતીનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન આપી, અરે મૈં હી તો હૂં.

