ફૅક્ટરીમાં કામ કરવું મારો બૅકઅપ પ્લાન હતો: દિલજિત દોસાંજ
દિલજિત દોસાંજનું કહેવું છે કે ફૅક્ટરીમાં કામ કરવું એ તેનો બૅકઅપ પ્લાન હતો. આ વિશે વધુ જણાવતાં દિલજિતે કહ્યું હતું કે ‘મને હંમેશાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં ગૉડફાધર વગર એક ઊંચાઈ પર પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જોકે મને ખબર હતી કે હું સતત પ્રયત્ન કરતો રહીશ તો એક દિવસ મને સફળતા જરૂર મળશે. એ માટે સમય લાગશે એ મને ખબર હતી, પરંતુ મને મારી મહેનતનું પરિણામ જરૂર મળશે એ પણ મને જાણ હતી. બાળપણમાં હું અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ફિલ્મો ઘરે જોતો હતો. મને ફાઇટનાં દૃશ્ય ખૂબ જ પસંદ હતાં. આ બે સિવાય મેં કોઈની ફિલ્મ જોઈ હોય તો એ છે રાજિન્દર કુમાર. હિલ સ્ટેશન મને ખૂબ જ પસંદ છે અને એથી જ હું રાજિન્દર કુમારની ફિલ્મો જોતો હતો. મારી લાઇફમાં એક સમય એવો હતો જ્યારે હું મ્યુઝિકની પ્રૅક્ટિસ કરવા સિવાય કંઈ જ નહોતો કરી રહ્યો. ફૅક્ટરીમાં કામ કરવું મારો બૅકઅપ પ્લાન હતો.’
તેનું પહેલું આલબમ આવ્યા બાદ પણ તેને શો-બિઝનેસ વિશે જાણતાં ઘણી વાર લાગી હતી. આ વિશે વાત કરતાં દિલજિતે કહ્યું હતું કે ‘મારું પહેલું આલબમ રિલીઝ થઈ ગયું હોવા છતાં મને નહોતી ખબર કે હું એમાંથી કેવી રીતે પૈસા બનાવું. એક માણસ મારી પાસે આવ્યો અને તેણે મને કહ્યું કે હું ૨૫૦૦ રૂપિયામાં એક શો કરું. મને ત્યારે પ્રોસેસ સમજ પડી ગઈ હતી.’

