૯૦મા વર્ષમાં પ્રવેશ્યા બૉલીવુડના ઓરિજિનલ હી-મૅન
ધર્મેન્દ્રના જુહુમાં આવેલા બંગલા ‘અદ્વિતીય’ની બહાર તેમની ૮૯મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી
બૉલીવુડના ઓરિજિનલ હી-મૅન કહેવાતા, ગરમ ધરમ કહેવાતા ધર્મેન્દ્ર ૮૯ વર્ષ પૂરાં કરીને ૯૦મા વર્ષમાં પ્રવેશ્યા છે. ગઈ કાલે ધર્મેન્દ્રના જુહુમાં આવેલા બંગલા ‘અદ્વિતીય’ની બહાર તેમની ૮૯મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી તેમના ચાહકોએ કરી હતી. ધર્મેન્દ્રના જન્મદિવસની આ પ્રકારની ઉજવણી ક્યારેય નથી જોવા મળી.
ADVERTISEMENT
ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને ચાહકોને બંગલાની બહાર લગાડેલાં ધર્મેન્દ્રનાં પોસ્ટરો, હૉર્ડિંગ્સ અને તસવીરોની જબરદસ્ત સજાવટ દેખાડી હતી.
આ પોસ્ટરો અને હૉર્ડિંગ્સ પર ધર્મેન્દ્ર માટે ‘ગૉડ ઑફ બૉલીવુડ’ લખવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રના બંગલાની બહાર ચાહકો નાચતા-ગાતા જોવા મળ્યા હતા. કોઈકે પોતાની છાતી પર ધર્મેન્દ્રની તસવીર ચિતરાવી હતી.
ધર્મેન્દ્રએ બંગલાની બહાર આવીને ચાહકો દ્વારા લાવવામાં આવેલી વિશાળ કેક કાપી હતી. એ વખતે તેમની સાથે સની અને બૉબી દેઓલ પણ હતા.
ડ્રીમગર્લ હેમા માલિનીએ લખ્યું : મારા ડ્રીમમૅનને હૅપીએસ્ટ બર્થ-ડે
ધર્મેન્દ્રને દીકરાઓ સની અને બૉબી તથા દીકરી એશાએ સોશ્યલ મીડિયા મારફત જન્મદિવસની વધાઈ આપી હતી, પણ સૌથી સુંદર વિશ હેમા માલિનીની હતી. ડ્રીમગર્લ તરીકે જાણીતાં હેમાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું : હૅપીએસ્ટ બર્થ-ડે ટુ ધ મૅન ઑફ માય ડ્રીમ્સ. આપણે વર્ષો પહેલાં પહેલી વાર મળ્યાં ત્યારથી તમે મારા હૃદયમાં છો અને હું તમારા હૃદયમાં છું. સારાનરસા તમામ સમયમાં આપણે સાથે રહ્યાં છીએ, એકમેક પ્રત્યેના પ્રેમમાં અડગ રહ્યાં છીએ. આવનારાં અનેક વર્ષો સુધી તમારા ચાર્મથી સંમોહિત થવા હું ઉત્સુક છું.