દીપિકા-રણવીર અને રણબીર-આલિયા ન્યુ યર સેલિબ્રેશન માટે પહોંચ્યાં રણથંભોર
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશૉટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રાજસ્થાનના રણથંભોર પહોંચ્યાં છે. એથી તેમની સગાઈની ચર્ચા થવા લાગતાં રણધીર કપૂરે એ અફવાને ફગાવી દીધી છે. નવા વર્ષના સ્વાગત માટે અનેક સેલિબ્રિટીઝ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે બહાર ફરવા નીકળી પડી છે. એથી નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ રાજસ્થાન ન્યુ યર સેલિબ્રેટ કરવા ગયાં છે. સાથે જ સંયોગ પણ એ બન્યો કે જે રિસૉર્ટમાં તેઓ રોકાયાં છે એ જ રિસૉર્ટમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રોકાયાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન કરવાનાં હતાં. જોકે કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનને કારણે તેમનાં લગ્ન પણ અટવાઈ ગયાં છે. એવામાં હવે રણબીર અને આલિયાની સગાઈની અફવા પર વિરામ મૂકતાં રણધીર કપૂરે કહ્યું હતું કે ‘આમાં જરા પણ સચ્ચાઈ નથી. જો રણબીર અને આલિયાની સગાઈ થવાની હોત તો મારી ફૅમિલી અને હું પણ તો ત્યાં ગયાં હોત. રણબીર, નીતુ અને આલિયા ત્યાં ન્યુ યર માટે વેકેશન મનાવવા ગયાં છે. તેમની સગાઈના સમાચાર ખોટા છે.’

