સેન્સર બોર્ડ પર રોષે ભરાઈને દીપક તિજોરીએ કહ્યું...
દિપક તિજોરી
દીપક તિજોરીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ટિપ્સી’ શુક્રવારે રિલીઝ થઈ છે. એ ફિલ્મનું સર્ટિફિકેટ મેળવવા માટે તેને ખૂબ તકલીફમાંથી પસાર થવું પડ્યું હતું. સેન્સર બોર્ડ સાથે તેને કડવો અનુભવ થયો હતો. તેનું કહેવું છે કે સેન્સર બોર્ડે તેને બ્લૅકમેઇલ અને ટૉર્ચર કર્યો હતો. ફિલ્મનું સર્ટિફિકેટ મેળવવા માટે તેને ઘણા દિવસો સુધી રાહ જોવી પડી હતી. ફિલ્મ જોવા માટે પણ સેન્સર બોર્ડની કમિટી તૈયાર નહોતી. પોતાની ફિલ્મ દેખાડવા માટે દીપકને ખૂબ વિનંતી કરવી પડી હતી. સેન્સર બોર્ડના વર્તન વિશે દીપક કહે છે, ‘નવી સેન્સર બોર્ડની કમિટી ફિલ્મમેકર્સ સાથે ખરાબ વર્તન કરે છે. તેઓ એટલા તો અસભ્ય અને નિષ્ઠુર છે કે તેમને ફિલ્મમેકર્સની સ્થિતિની જરાપણ પરવા નથી. પહેલાં તો તેમણે અમારી ફિલ્મની રિલીઝ માટે અમને પૂરતો સમય આપ્યો નહીં. બીજું એ કે તેમણે મને બ્લૅકમેઇલ અને ટૉર્ચર કર્યો કે હું કોઈ બાબત પર વાંધો ન ઉઠાવું. જો આવું મારી સાથે થઈ શકતું હોય તો વિચારો કેટલા લોકોને આવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હશે.’

