દીપક તિજોરીએ ડિરેક્ટર મોહિત સૂરિ પર તેની ફિલ્મનો આઇડિયા ચોરી કરવાનો આરોપ કર્યો છે. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, શમિતા શેટ્ટી, ઉદિતા ગોસ્વામી અને સમીર કોચર લીડ રોલમાં હતાં. આ ફિલ્મને મોહિત સૂરિએ ડિરેક્ટ અને મહેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી હતી.
દીપક તિજોરી
દીપક તિજોરીએ ડિરેક્ટર મોહિત સૂરિ પર તેની ફિલ્મનો આઇડિયા ચોરી કરવાનો આરોપ કર્યો છે. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, શમિતા શેટ્ટી, ઉદિતા ગોસ્વામી અને સમીર કોચર લીડ રોલમાં હતાં. આ ફિલ્મને મોહિત સૂરિએ ડિરેક્ટ અને મહેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી હતી. દીપક તિજોરી આ ફિલ્મની સ્ટોરી સંભળાવવા મહેશ ભટ્ટ પાસે ગયો હતો. જોકે તેમણે સ્ટોરીમાં કોઈ રસ ન દેખાડ્યો. એ વખતનો અનુભવ શૅર કરતાં દીપક તિજોરીએ કહ્યું કે ‘મારે મહેશ ભટ્ટ સાથે કામ કરવું હતું. હું તેમને ફિલ્મનું નરેશન સંભળાવવા તેમની પાસે ગયો હતો. તેઓ ટ્રેડમીલ પર હતા. તેમણે ૧૫-૨૦ મિનિટ સુધી મને સાંભળ્યો અને બાદમાં કહ્યું કે ‘મને મજા ન આવી. ભૂલી જા.’ આ સાંભળતાં જ હું ત્યાંથી બહાર નીકળી ગયો હતો. મેં જોયું કે મોહિત સૂરિ બહાર ઊભો હતો. મોહિત ત્યારે નાનો હતો. તેણે કરીઅરની શરૂઆત પણ નહોતી કરી. તે સ્ટોરી માટે વિષય શોધી રહ્યો હતો. મેં મોહિતને કહ્યું કે ‘ભટ્ટ સા’બને કહેજે કે મને ફરીથી એક વખત સાંભળી લે. તું તેમને ગમે તેમ કરીને ‘આઉટ ઑફ ટાઇમ’ ફિલ્મ દેખાડજે.’
ત્રણ-ચાર દિવસ બાદ અનુરાગ બાસુએ દીપકને જણાવ્યું કે મોહિત આવી જ કોઈ ફિલ્મ કરી રહ્યો છે. એ સાંભળતાં જ દીપકને ગુસ્સો આવ્યો હતો. એ વિશે દીપકે કહ્યું કે ‘મને ખૂબ ગુસ્સો આવ્યો, કેમ કે હું ભટ્ટને મારા પરિવારની જેમ માનતો હતો. આ મારી કરીઅરનો બીજો તબક્કો હતો અને એ મારી લાઇફ હતી. મારી બીજી કરીઅરની પહેલી છેતરપિંડી હતી. ત્યારથી માંડીને આજ દિન સુધી તે મારી સામે નથી આવ્યો અને સ્વીકાર નથી કર્યો કે તેણે આવી રીતે મારી સાથે બદલો લીધો હતો. ‘ઝહર’ તેની પહેલી ફિલ્મ હતી અને એનો આઇડિયા મારો હતો. તેણે જો મને એક વખત જણાવ્યું હોત તો શું વાંધો હતો? મેં ‘ફૉક્સ’માં ઉદિતા સાથે કામ કર્યું હતું. અનેક વખત હું તેને પણ આ કહેવા માગતો હતો. જોકે બન્નેનાં લગ્ન થઈ ગયાં અને તેઓ ખુશ છે. તેમના માટે તો મને પણ ખુશી છે.’

