સુશાંત સિંહ રાજપૂત જે ફ્લૅટમાં રહેતો હતો એ ઘર હવે અદા શર્માએ ભાડે લીધું છે
અદા શર્મા
સુશાંત સિંહ રાજપૂત બાંદરામાં આવેલા મૉં બ્લાં બિલ્ડિંગમાં છઠ્ઠા ફ્લોર પર રહેતો હતો. એ ઘરમાં ૨૦૨૦ની ૧૪ જૂને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે એ ઘરમાં અદા શર્મા રેન્ટ પર રહે છે અને તેનું એમ કહેવું છે કે એ ઘરમાં રહીને તેને કોઈ પ્રકારનો ડર નથી લાગતો. અગાઉ એવી ચર્ચા હતી કે અદાએ એ ઘર ખરીદી લીધું છે, પરંતુ તેણે ચોખવટ કરી કે એ ઘરમાં તે રેન્ટ પર રહે છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ ખૂબ હિટ રહી હતી. મકાન વિશે અદા કહે છે, ‘મેં એ ફ્લૅટ રેન્ટ પર લીધો છે. મારી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ જે ૩૭૮ કરોડ રૂપિયા રળ્યા છે એ મારા નથી. એ ફ્લૅટ માટે તો મારી દાદીએ પણ યોગદાન આપ્યું છે. મારી મમ્મી કામ નથી કરતી એથી તેણે મદદ નથી કરી, પરંતુ તે મારા માટે ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. મને ઘરમાં વધુ સ્પેસ હોય એ ગમે છે. હું જ્યારે ડાન્સ કરતી હોઉં તો મને વચમાં કાંઈ આવે એ નથી પસંદ. મુંબઈમાં આપણે જગ્યાના પૈસા આપીએ છીએ. એવામાં જો આપણે આવા સુંદર ઘરમાં રહીએ તો મને મુક્તપણે હરવા-ફરવા જોઈએ. આ જ કારણ છે કે મારા ઘરમાં ફર્નિચર નથી.’
ADVERTISEMENT
અદાને પૂછવામાં આવ્યું કે શું એ ઘરમાં રહેવાથી તને ડર નથી લાગતો? તો એનો જવાબ આપતાં અદા કહે છે, ‘ડર શું કામ લાગવો જોઈએ? અગર લાઇફ મેં કુછ ગલત નહીં કિયા તો ડર કિસ બાત કા? જો તમે કાંઈ ખોટું કર્યું હોય તો ડર લાગવો સ્વાભાવિક છે.’

