તેમનું એવું પણ કહેવું છે કે અગાઉ ગીતના રેકૉર્ડિંગ વખતે કોઈ દખલગીરી કરતું નહોતું
કુમાર સાનુ
કુમાર સાનુને લાગે છે કે વર્તમાનમાં જે હિન્દી મ્યુઝિક બને છે એ સાંભળવા યોગ્ય નથી. તેમનું એવું પણ કહેવું છે કે અગાઉ ગીતના રેકૉર્ડિંગ વખતે કોઈ દખલગીરી કરતું નહોતું. ૯૦ના દાયકામાં કુમાર સાનુએ અનેક ફિલ્મોનાં ગીતો ગાઈને એને યાદગાર બનાવી દીધાં છે. હાલમાં બનતા હિન્દી મ્યુઝિકની નિંદા કરતાં કુમાર સાનુએ કહ્યું કે ‘હું લતાજીના, કિશોરકુમારનાં અને મોહમ્મદ રફીનાં જૂનાં ગીતો સાંભળું છું. સાથે જ હું કેટલાંક ઇંગ્લિશ સૉન્ગ્સ પણ સાંભળું છું. જોકે આજનું હિન્દી મ્યુઝિક નથી સાંભળતો. એ સાંભળવાને યોગ્ય નથી. એથી હું એ સાંભળતો પણ નથી અને એ વિશે વધુ જાણતો પણ નથી.’
હાલમાં ગીતો બનાવતી વખતે અનેક લોકો દરમ્યાનગીરી કરે છે. એ વિશે કુમાર સાનુએ કહ્યું કે ‘આજે બધી બાજુએથી દખલગીરી કરવામાં આવે છે પછી એ ઍક્ટર, પ્રોડ્યુસર, ફાઇનૅન્સર અથવા તો ડિરેક્ટર પણ હોઈ શકે છે. તેઓ મ્યુઝિક કમ્પોઝરને કહે છે કે ‘તમે ગીત બનાવો, બાકીનું અમે કરી લઈશું.’ અગાઉ આવું નહોતું. આ જ કારણ છે કે અમે ઍક્ટર સાથે ચર્ચા નહોતા કરતા. કેવી રીતે ગીત ગાવાં એ વિશે પણ તેમની સાથે ચર્ચા નહોતી થતી. જો નદીમ-શ્રવણ મ્યુઝિક બનાવે છે તો એ સારું જ હશે. જો કુમાર સાનુ ગીત ગાય છે તો એ સારું જ હશે. આવા પ્રકારનો કૉન્ફિડન્સ હવે નથી દેખાતો. એક જ ગીતને ૮-૧૦ ગાયકો ગાય છે. કયું વર્ઝન રાખવામાં આવશે, કયું વર્ઝન સારું રહેશે એની તેમને પણ જાણ નથી હોતી. આવી સ્થિતિમાં તમારી જાતને એક સિંગર તરીકે ઓળખ અપાવવી મુશ્કેલ બની ગયું છે.’

