રિલીઝ પહેલાં સ્ક્રીનિંગ રાખવાની કૉન્ગ્રેસ દ્વારા કરવામાં આવી ડિમાન્ડ.
કંગના રનોટની ‘ઇમર્જન્સી` ફિલ્મનો લૂક
કંગના રનોટની ‘ઇમર્જન્સી’નું ટીઝર રિલીઝ થતાં જ એના પર વિવાદનાં વાદળ છવાઈ ગયાં છે. મધ્ય પ્રદેશની કૉન્ગ્રેસે આ ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો છે. કંગનાએ હાલમાં જ ફિલ્મને લઈને પોતાનો લુક શૅર કર્યો હતો. આપણા દેશમાં ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. એ ઘટનાક્રમને ફિલ્મમાં દેખાડવામાં આવશે. તેમનું કહેવું છે કે ફિલ્મના માધ્યમથી દેશની ભૂતપૂર્વ પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે તેમણે ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં તેમને દેખાડવામાં આવે. મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસ મીડિયા ડિપાર્ટમેન્ટની વાઇસ-પ્રેસિડન્ટ સંગીતા શર્માએ કંગનાને બીજેપીની એજન્ટ ગણાવી છે અને તેમના કહેવા પર જ ઇન્દિરા ગાંધીની ઇમેજ પર કલંક લગાવવાનું કામ તે કરી રહી છે. બીજી તરફ બીજેપીનું કહેવું છે કે કૉન્ગ્રેસ ગભરાઈને ફિલ્મ પર વાંધો ઉઠાવી રહી છે. બીજેપીના સ્ટેટ પ્રવક્તા રાજપાલ સિંહ સિસોદિયાએ કહ્યું કે ‘લોકશાહીવાળા આપણા દેશમાં ઇમર્જન્સી એક કાળો દાગ છે. એ વખતે ઇન્દિરા ગાંધી ‘હિરોઇન’ હતી અને એથી તેમણે ડરવાની જરૂર નથી.’