એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કરેલી પૂછપરછ બાદ તેણે આવું કહ્યું
વિજય દેવરાકોન્ડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે હૈદરાબાદમાં તાજેતરમાં જ વિજય દેવરાકોન્ડાની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તેણે જણાવ્યું કે પૉપ્યુલારિટીની સાથે ચૅલેન્જ પણ આવે છે. ‘લાઇગર’ ફિલ્મમાં ફન્ડ સંબંધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નથી કરી શકી. કૉન્ગ્રેસના નેતા બક્કા જડસને ફરિયાદ કરી હતી કે અનેક નેતાઓએ પોતાનાં બ્લૅક મની આ ફિલ્મમાં ઇન્વેસ્ટ કર્યાં હતાં. એથી થોડા દિવસો અગાઉ ડિરેક્ટર પુરી જગન્નાથ અને ચાર્મી કૌરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બુધવારે ૧૨ કલાક ચાલેલી પોતાની પૂછપરછ બાદ વિજય દેવરાકોન્ડાએ કહ્યું કે ‘તમે જ્યારે પૉપ્યુલર હો તો એની સાથે કેટલીક તકલીફો અને સાઇડ ઇફેક્ટ્સ પણ આવે છે. આ મારા માટે એક અનુભવ છે. આ લાઇફ છે. મને જ્યારે બોલાવવામાં આવ્યો તો મેં મારી ફરજ પૂરી કરી. મને પૂછવામાં આવેલા સવાલોના મેં જવાબ આપ્યા. તેમણે મને ફરીથી નથી બોલાવ્યો.’