નાની-નાની વસ્તુઓમાંથી ખુશી મેળવનાર આ ઍક્ટરે દસ-પંદર વર્ષ જૂની તેની કૅપને હજી સાચવી રાખી છે
કાર અને ટ્રાવેલનો દીવાનો છે રજનીશ દુગ્ગલ
મૉડલમાંથી ઍક્ટર બનેલા રજનીશ દુગ્ગલે ૨૦૦૮માં આવેલી વિક્રમ ભટ્ટની ‘૧૯૨૦’ ફિલ્મથી ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં અને રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે હાલમાં ઝીટીવી પર આવતા શો ‘સંજોગ’માં રાજીવનું પાત્ર ભજવી રહ્યો છે.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
ADVERTISEMENT
ફ્લેક્સિબલ, હંમેશાં નવુ શીખનાર, કૉમ્પિટિટિવ, હેડસ્ટ્રૉન્ગ, મદદ કરનારો.
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે?
સારું કામ કરવું અને લાઇફમાં નાની-નાની બાબતોમાંથી જે ખુશી મળે એનાથી ચહેરા પર સ્માઇલ આવી જાય છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
મારી ડેટ ફિક્સ છે. મારી એક્સ-ગર્લફ્રેન્ડને લઈ જઈશ જે હવે મારી પત્ની બની ગઈ છે. આથી હું પલ્લવીને લઈ જઈશ.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું સૌથી વધુ પૈસા કાર્સ અને ટ્રાવેલ પાછળ ખર્ચું છું. મને કારનો ભારે શોખ છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
કોઈ પણ વ્યક્તિએ એકદમ રિયલ રહેવું જોઈએ અને તે એકદમ લૉયલ હોવી જોઈએ અને કોઈ પણ વસ્તુનો દેખાડો ન કરતી હોવી જોઈએ, કારણ કે હું વ્યક્તિને પારખી શકું છું.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
એ હું લોકો પર છોડું છું. મને જે રીતે યાદ રાખવો હોય એ રીતે કરી શકે છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
ચાહકોએ મારા માટે ઘણી વસ્તુઓ કરી છે, પરંતુ ઘણા લોકોએ લોહીથી લખેલા લેટર્સ પણ મોકલ્યા છે. હું ઑસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યાં ઘણી ભીડ હતી, જેમાં ઘણી છોકરીઓ હતી. અચાનક એક છોકરી કૂદકો મારીને મારી સામે ઊભી રહી ગઈ હતી અને તેણે ઑલમોસ્ટ મને લિપ કિસ કરી દીધી હતી. જોકે તે મારી સાથે ફોટો ક્લિક કરીને જતી રહી હતી, પણ એ મને હજી યાદ છે.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
દેરક ટૅલન્ટ યુઝફુલ હોય છે. કોઈ પણ યુઝલેસ નથી હોતી. મને લાગતું હતું કે મારી યુઝલેસ ટૅલન્ટ ડોનલ્ડ ડક જેવો અવાજ કાઢવાનું છે (કાઢીને બતાવે છે). જોકે એ પણ યુઝલેસ નથી રહ્યું, કારણ કે એ માટે મને ૨૦૦૩માં એ માટે ‘મિસ્ટર ઇન્ડિયા ટૅલન્ટ અવૉર્ડ’ મળ્યો હતો.
પહેલી જૉબ કઈ હતી?
હું ૧૫ વર્ષનો હતો ત્યારથી મેં કામ શરૂ કરી દીધું હતું. ત્યારે હું દુકાનમાં જઈને બૉલબેરિંગ વેચતો હતો. જોકે પહેલી પ્રૉપર જોબ ટેલિ માર્કેર્ટિંગની હતી જે મારા બારમા ધોરણ બાદ હતી અને ૧૭ વર્ષનો હતો ત્યારે જેમાં હું હોટેલનાં કાર્ડ્સ વેચતો હતો.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં હોય?
મને મારી કૅપ્સ ખૂબ ગમે છે. મારી પાસે મારી કેટલીક લકી કૅપ્સ છે જે મારી સાથે દસ-પંદર વર્ષથી હશે. હું હજી પણ એ પહેરું છું. મારી પાસે મારી રેડ કૅપ છે જે મેં આફ્રિકાથી લીધી હતી. એ પહેરીને હું ‘ખતરોં કે ખિલાડી’ જીત્યો હતો. એથી એ મારી પાસે હંમેશાં રહેશે. મારી પાસે મારી એક એડિડાસની કૅપ પણ છે, જેમાં હું ઘણી મૅચ જીત્યો હતો.
સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મેં ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લીધો હતો અને એ સાથે જ મેં અન્ય સ્ટન્ટ પણ જાતે કર્યા છે. ગ્લાસ તોડવા સિવાયના દરેક સ્ટન્ટ હું જાતે કરું છું. રિયલ લાઇફમાં જો કોઈ ડૅરિંગવાળું કામ હોય તો એ બનારસમાં સાંજે ૬ વાગ્યે એક બાળક ડૂબી રહ્યું હતું. હું પણ અસ્સી ઘાટ પર જ હતો. એ બાળકની આસપાસ કોઈ નહોતું અને હું કંઈ પણ વિચાર્યા વગર કૂદી પડ્યો હતો અને તેને બચાવ્યો હતો.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તમે એક મિસ્ટરી બનાવી રાખી છે?
મેં જે વસ્તુને મિસ્ટરી બનાવી રાખી છે એને હજી પણ મિસ્ટરી જ રહેવા દો. આથી હું એનો જવાબ આપી શકું એમ નથી.

