છાયાએ ‘મડગાવ એક્સપ્રેસ’માં કંચન કોમડી અને ‘લાપતા લેડીઝ’માં મંજુમાઈનું પાત્ર ભજવ્યું હતું
છાયા કદમ
‘લાપતા લેડીઝ’માં જોવા મળેલી છાયા કદમે ૭૭મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્વર્ગીય મમ્મીની સાડી પહેરી હતી. છાયાએ ‘મડગાવ એક્સપ્રેસ’માં કંચન કોમડી અને ‘લાપતા લેડીઝ’માં મંજુમાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિન્દી, મલયાલમ અને મરાઠીમાં બનાવવામાં આવી છે. તેનું મમ્મીને ફ્લાઇટમાં બેસાડવાનું સપનું અધૂરું રહી ગયું હતું એથી તે મમ્મીની સાડી અને નથણી ફ્રાન્સ લઈ ગઈ હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને છાયાએ કૅપ્શન લખી હતી, ‘મમ્મી, તને ફ્લાઇટમાં બેસાડવાનું મારું સપનું અધૂરું રહી ગયું છે. જોકે હું તારી સાડી અને નથણી ફ્લાઇટમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લઈને આવી છું એની મને ખુશી છે. જોકે એમ છતાં મમ્મી, તું અહીં હોત એવી મારી ઇચ્છા હતી. આ બધું તું પણ જોઈ શકી હોત. મમ્મી, હું તને ઘણો પ્રેમ કરું છું અને મિસ કરી રહી છું.’