સલમાન ખાન ૨૪ કલાક પોલીસ-પ્રોટેક્શનમાં હોય છે અને તેની કાર પણ બુલેટપ્રૂફ કરવામાં આવી છે.
ગઈ કાલે સલમાન ખાનના ઘરની ગૅલરીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવી રહ્યા હતા.
સલમાન ખાનની પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ હાથ ધોઈને પડી ગઈ છે. અભિનેતાને ખતમ કરવા માટે અવારનવાર ધમકીઓ આપવામાં આવે છે. સલમાનના ઘર પર ગોળીબાર પણ થઈ ચૂક્યો છે અને તેની નિકટતાને કારણે બાબા સિદ્દીકીની હત્યા પણ થઈ છે. સલામતીને કારણે સલમાન ખાન લાંબા સમયથી બાલ્કનીમાં દેખાયો નથી. સલમાન ખાન દરેક બર્થ-ડે પર અને ઈદમાં ફ્લૅટની ગૅલરીમાં જઈને ચાહકોનું અભિવાદન કરે છે, પણ હવે આ બધું બંધ છે. હવે સલામતીના કારણસર બાંદરા-વેસ્ટમાં બૅન્ડસ્ટૅન્ડ પર આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની સિક્યૉરિટી અપગ્રેડ કરવામાં આવી છે. ગૅલરીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવા ઉપરાંત અભિનેતાના ઘરની આસપાસ થતી હિલચાલ પર નજર રાખવા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પણ લગાવવામાં આવ્યા છે.
એક પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ સલમાન ખાનના ગૅલેક્સી અપાર્ટમેન્ટમાં આવેલા ફ્લૅટમાં છેલ્લા કેટલાક સમયથી રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું હતું જે હવે પૂરું થઈ ગયું છે. અભિનેતાને જાનનું જોખમ હોવાથી ગૅલરીમાં બુલેટપ્રૂફ ગ્લાસની પૅનલ લગાવવામાં આવી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના શૂટરોએ સલમાન ખાનના ગૅલેક્સી અપાર્ટમેન્ટમાં આવેલા ફ્લૅટ પર ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ નવી મુંબઈ પોલીસે સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડનારા શૂટરોને પકડ્યા હતા. આ ઘટના બાદ સલમાન ખાન ૨૪ કલાક પોલીસ-પ્રોટેક્શનમાં હોય છે અને તેની કાર પણ બુલેટપ્રૂફ કરવામાં આવી છે.