પહેલા અઠવાડિયાના બિઝનેસમાં બન્ને ફિલ્મો વચ્ચે જોકે તફાવત બહુ ઓછો: ભારતમાં સિંઘમ અગેઇનનો ૭ દિવસનો નેટ બિઝનેસ ૧૮૬.૬૦ કરોડ, જ્યારે ભૂલભુલૈયા 3નો ૧૬૮.૮૬ કરોડ રૂપિયા
‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3’
દિવાળી પર એકસાથે રિલીઝ થયેલી ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3’ની ટક્કરમાં રૂહબાબા સામે બાજીરાવ સિંઘમનો વિજય થયો છે. બન્ને ફિલ્મોને રિલીઝ થયાને એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે ત્યારે ભારતમાં ‘સિંઘમ અગેઇન’નું બૉક્સ-ઑફિસ પરનું નેટ કલેક્શન સરખામણીમાં વધુ રહ્યું છે. જોકે ‘ભૂલભુલૈયા 3’ પણ જબરદસ્ત ફાઇટ આપીને બહુ પાછળ નથી રહી.
શુક્રવારથી ગુરુવારના ૭ દિવસમાં ‘સિંઘમ અગેઇન’નો નેટ બિઝનેસ ૧૮૬.૬૦ કરોડ રૂપિયા થયો છે, જ્યારે ‘ભૂલભુલૈયા 3’એ ૭ દિવસમાં ૧૬૮.૮૬ કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કર્યો છે. એટલે બન્ને ફિલ્મો વચ્ચે માત્ર ૧૭.૭૪ કરોડ રૂપિયાનો તફાવત છે. હા, એ અલગ વાત છે કે આ ફિલ્મોની ટક્કર ન થઈ હોત તો બન્નેએ હજી વધુ કમાણી કરી હોત. આ ફિલ્મોના શુક્રવારના કલેક્શનના આંકડા આજે સવારે આવશે અને ત્યાર બાદ શનિ-રવિમાં એમનો પર્ફોર્મન્સ કેવો રહેશે એ જોવા જેવું રહેશે.
ADVERTISEMENT
બૉક્સ ઑફિસ પર પહેલું અઠવાડિયું
વાર સિંઘમ અગેઇન ભૂલભુલૈયા 3
શુક્રવાર ૪૩.૭૦ ૩૬.૬૦
શનિવાર ૪૪.૫૦ ૩૮.૪૦
રવિવાર ૩૬.૮૦ ૩૫.૨૦
સોમવાર ૧૯.૨૦ ૧૭.૮૦
મંગળવાર ૧૬.૫૦ ૧૫.૯૧
બુધવાર ૧૪.૭૦ ૧૨.૭૪
ગુરુવાર ૧૧.૨૦ ૧૨.૨૧
કુલ ૧૮૬.૬૦ ૧૬૮.૮૬
(આંકડા કરોડ રૂપિયામાં)
ભૂલભુલૈયા 4માં કાર્તિક આર્યન અને અક્ષય કુમાર ભેગા આવશે?
‘ભૂલભુલૈયા 3’ની જબરદસ્ત સફળતા પછી એવી ચર્ચા સાંભળવા મળી છે કે આ ફિલ્મના ચોથા ભાગમાં ‘ભૂલભુલૈયા’ના હીરો અક્ષય કુમાર તથા ફિલ્મના બીજા-ત્રીજા ભાગનો હીરો કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ બાબતે ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારનું કહેવું છે કે ચોથો ભાગ બનાવવાની અમારી તૈયારી તો છે, પણ એમાં કાર્તિક અને અક્ષય સાથે હશે કે કેમ એ ફિલ્મની વાર્તા પર નિર્ભર કરશે; જો બન્નેને સાથે લાવવા જેવી સારી સ્ટોરી મળશે તો કેમ નહીં?