જે. પી. દત્તા કહે છે, ‘મારી દીકરી મારી તાકાત છે. હું ફ્રૅન્ચાઇઝીની જવાબદારી સૌથી મજબૂત વ્યક્તિને આપી રહ્યો છું
નિધિ દત્તા
સની દેઓલની ‘બૉર્ડર 2’ની હાલમાં જ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. ૧૯૯૭માં રિલીઝ થયેલી ‘બૉર્ડર’ને જે. પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી. દેશભક્તિનો જોશ અને સૈનિકોના બલિદાનને દેખાડતી આ ફિલ્મ આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. એવામાં એની સીક્વલની જાહેરાત થતાં લોકો ઉત્સુક બન્યા છે. ‘બૉર્ડર 2’ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સની દેઓલની સાથે આયુષમાન ખુરાના પણ જોવા મળશે. આ ફિલ્મને જે. પી. દત્તા માત્ર પ્રોડ્યુસ કરશે અને ડિરેક્શનની જવાબદારી તેમની દીકરી નિધિ દત્તાને આપી છે, જેણે આ ફિલ્મની સ્ટોરી લખી છે. એ વિશે જે. પી. દત્તા કહે છે, ‘મારી દીકરી મારી તાકાત છે. હું ફ્રૅન્ચાઇઝીની જવાબદારી સૌથી મજબૂત વ્યક્તિને આપી રહ્યો છું. તેણે આ ફિલ્મની સ્ટોરી લખી છે. તેના માટે આ એક નાના બાળક સમાન છે. નિધિએ જ્યારે મને ‘બૉર્ડર 2’ની સ્ટોરી સંભળાવી તો હું ચોંકી ગયો હતો. હું ભલે ફિલ્મને ડિરેક્ટ ન કરું, પરંતુ ક્રીએટિવ બાબતોમાં માર્ગદર્શન આપતો રહીશ.’

