કાજોલ અભિનિત શોર્ટ ફિલ્મ 'દેવી'નાં બે દિવસમાં 40 લાખ વ્યુઝ
કાજોલે હૅલિકૉપ્ટર ઇલા ફિલ્મ સાથે કમ બૅક કર્યું, એ ફિલ્મને બહુ સફળતા તો ન મળી પણ કાજોલે તેનું પાત્ર બહુ સારી રીતે નિભાવ્યું હતું જો કે તેણે છેલ્લે અભિનય કર્યો તાન્હાજીમાં. પતિ અજય દેવગણ સાથે તાન્હાજીમાં કાજોલે તેની પત્નીનું જ પાત્ર ભજવ્યું અને પ્રસંશા મેળવી. હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પહેલાં જ કાજોલ અભિનિત શોર્ટ ફિલ્મ 'દેવી' રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં કાજોલની સાથે અન્ય આઠ સ્ત્રીઓ છે. બળાત્કારની આસપાસ વણાયેલી આ ફિલ્મમાં દરેક સ્ત્રી પોતે કેવા કપરા સંજોગોમાંથી પસાર થઇ છે તેની કહાની છે. આ ફિ્લ્મનાં પહેલા જ દ્રશ્યમાં બધી મહિલાઓ દેખાય છે. કાજોલ સાથે આ ફિલ્મમાં નેહા ધુપિયા, શ્રુતિ હસન, શિવાની રઘુવંશી, સંધ્યા મ્હાત્રે, મુક્તા બર્વે, રમા જોશી વગેરે અભિનેત્રીઓ છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રિયંકા બેનર્જીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં બોલ્ડ સ્ત્રીથી માંડીને બુરખામાં રહેતી સ્ત્રી પણ છે, કોઇ મહારાષ્ટ્રીયન છે તો કોઇ પંજાબી અને એક પાત્ર મુંગું પણ છે. આ સ્ત્રીઓને એકબીજા સાથે કોઇ સંબંધ નથી પણ છતાં ય એક ઓરડામાં તેઓ એક સાથે રહે છે.
ADVERTISEMENT
આ તમામ સ્ત્રીઓ કોઇને કોઇ પ્રકારનાં સંતાપમાંથી પસાર થયેલી છે અને દરેકની બળાત્કાર કે જાતીય હિંસાનો અનુભવ થયેલો છે. કઇ રીતે આ સ્ત્રીઓ એકબીજા સાથે જોડાય છે તે બહુ રસપ્રદ રીતે દર્શાવાયેલું છે. આ ફિલ્મ જોઇને કોઇનું પણ હ્રદય દ્રવી ઉઠશે તે ચોક્કસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મનું રિલિઝ થવું બહુ અર્થપૂર્ણ છે.

