અંગ્રેઝી મીડિયમ વહેલી અથવા તો મોડી રિલીઝ કરવાની જરૂર હતી : કિકુ શારદા
અંગ્રેઝી મીડિયમ
કિકુ શારદાનું માનવું છે કે ‘અંગ્રેઝી મીડિયમ’ને જલદી અથવા તો મોડી રિલીઝ કરવાની જરૂર હતી. ઇરફાનની આ ફિલ્મમાં પિતા-પુત્રીના લાગણીભર્યા સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે પોતાની દીકરીનાં સપનાં પૂરાં કરવા માટે એક પિતા કેવા પ્રકારની સ્ટ્રગલ કરે છે. હોમી અડાજણિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રાધિકા મદન, કરીના કપૂર ખાન, ડિમ્પલ કાપડિયા, દીપક ડોબરિયાલ, કિકુ શારદા અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળ્યાં હતાં. દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે ફિલ્મ જ્યારે રિલીઝ થઈ કે તરત જ દેશભરના સિનેમા હૉલ્સ અને મૉલ્સ બંધ કરવામાં આવ્યા હતા. એને કારણે ફિલ્મના કલેક્શન પર માઠી અસર પડી છે. ફિલ્મની રી-રિલીઝનો પણ નિર્ણય લેવાયો હતો. જોકે તાજેતરમાં જ આ ફિલ્મને ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે. એ વિશે કિકુ શારદાએ કહ્યું હતું કે ‘આ ખરેખર દુઃખદ છે. આ ફિલ્મને વહેલી અથવા તો મોડી રિલીઝ કરવાની જરૂર હતી. જો એવું થયું હોત તો અમને યોગ્ય રીતે રિલીઝ મળી હોત. ફિલ્મ રિલીઝ થઈ એના એક જ દિવસમાં એને પાછી ખેંચી લેવામાં આવી હતી. આ ખૂબ જ સુંદર ફિલ્મ હતી અને ઇરફાને તેમની તબિયત પર ધ્યાન આપતા ઘણા સમયથી કોઈ ફિલ્મ નહોતી કરી. તેમને સ્ક્રીન પર જોવા સૌના માટે ખાસ બાબત હતી. મને આશા હતી કે લોકોને તેમને થિયેટર્સમાં જોવાની તક મળશે. લોકોએ ફિલ્મ જોયા બાદ સારો રિસ્પૉન્સ આપ્યો હતો. લોકોએ સોશ્યલ મીડિયામાં ફિલ્મની પ્રશંસા કરી હતી. આ ફિલ્મના દરેક કલાકારની લોકોએ પ્રશંસા કરી હતી. દરેકના પર્ફોર્મન્સ પણ યાદગાર હતા. ઇરફાન અને દીપક ડોબરિયાલની કેમિસ્ટ્રીનાં લોકોએ વખાણ કર્યાં હતાં. લોકોને પિતા-પુત્રીની સ્ટોરી પણ ખૂબ પસંદ પડી હતી. આ એક પૉઝિટિવ ફિલ્મ હતી.’
આ ફિલ્મમાં કામ કરવાનું મુખ્ય કારણ ઇરફાન હતો. એ વિશે જણાવતાં કિકુએ કહ્યું હતું કે ‘હું જાણતો હતો કે ઇરફાન આ ફિલ્મમાં છે અને આ જ કારણસર મેં આ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. હું મારા કૅરૅક્ટરને સારી રીતે જાણતો હતો, પરંતુ લીડમાં તો ઇરફાન જ હતા. મને તેમની સાથે કામ કરવાની, તેમની સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી એ જ મારા માટે પૂરતું હતું. મને તેમનું કામ ખૂબ જ ગમે છે. હું તેમના કામનો પ્રશંસક છું. તેમની કેટલીક ફિલ્મો યાદગાર છે. એથી તેમની સાથે કામ કરવું મારા માટે સન્માન અને ખુશીની વાત છે.’

