બોમ્બે HCમાં અભિનેતા સોનુ સૂદની અરજી નામંજૂર, BMCએ ફટકારી હતી નોટિસ
સોનુ સૂદ
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (Brihanmumbai Municipal Corporation)એ ગેરકાયદે બાંધકામ (Illegal Construction)ને લઈને અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)ને નોટિસ ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટમાં બીએમસીની નોટિસ ફટકારવાના વિરુદ્ધ સોનુ સૂદે પિટિશન ફાઇલ કરી હતી, જેને બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં ફગાવી દેવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે 13 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં બીએમસીએ કોર્ટમાં કહ્યું હતું કે અભિનેતા ગેરકાયદે બાંધકામોના મામલે સતત નિયમ તોડી રહ્યા છે.
ADVERTISEMENT
બીએમસી દ્વારા સોનુને 'રીઢો ગુનેગાર' પણ ગણાવ્યો હતો
બૉલીવુડ એક્ટર સોનુ સૂદે ઉપનગરીય જૂહુ સ્થ્તિ પોતાના નિવાસસ્થાનમાં પરવાનગી વિના ગેરકાયદેસર બાંધકામ કર્યા હતા, જેથી બીએમસીએ તેમને નોટિસ ફટકારી હતી. આ નોટિસ વિરૂદ્ધ સોનુ સૂદે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમના વકીલ ડીપી સિંહ દ્વારા ગયા અઠવાડિયાની દાખલ કરેલી અરજી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોનુ સૂદના આ છ માળના મકાનમાં કોઈપણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું નથી. આ છ માળના મકાનું નામ શક્તિ સાગર છે.
અરજીમાં ઑક્ટોબર 2020માં બીએમસી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસને રદ્દ કરવાની સાથે આ કેસમાં દંડાત્મક કાર્યવાહીથી વચગાળાની રાહત આપવાની પણ માંગ કરી હતી. આ અંગે બીએમસીએ જૂહુ પોલીસમાં 4 જાન્યુઆરીએ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ફરિયાદમાં બીએમસીએ કહ્યું છે કે અભિનેતા સોનુ સૂદે પોતાના જૂહુ સ્થિત નિવાસસ્થાનને પરવાનગી લીધા વગર હોટેલમાં રૂપાંતરિત કરી દીધું છે. આ સાથે બીએમસીએ પણ અભિનેતા પર કોર્ટમાં ગેરકાયદે બાંધકામ દ્વારા પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો હતો. બીએમસીએ કહ્યું કે સોનુ સૂદે આ માટે લાઇસન્સ લેવાનું પણ વિચાર્યું ન હતું અને રહેણાંક મકાનને પરવાનગી લીધા વગર હોટેલમાં પરિવર્તિત કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમસી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેઓએ તેની અવગણના કરી હતી અને બાંધકામ ચાલુ રાખ્યું હતું.

