બ્લૉકઆઉટ કૅમ્પેનમાં હવે પ્રિયંકા અને વિરાટ બાદ તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
શાહ રૂખ ખાન , રણવીર સિંઘ
આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડા જોનસ બાદ હવે શાહરુખ ખાન અને રણવીર સિંહનો પણ સમાવેશ બ્લૉકઆઉટ 2024 લિસ્ટમાં કરવામાં આવ્યો છે. એવું નથી કે ફ્કત એન્ટરટેઇનમેન્ટની જ સેલિબ્રિટીઝને બ્લૉક કરવામાં આવી રહી છે. ક્રિકેટર વિરાટ કોહલીનો પણ સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવ્યો છે. દુનિયાભરના ઘણા લોકો તેમને સોશ્યલ મીડિયા પર બ્લૉક કરી રહ્યા છે. ફૅશનની સૌથી મોટી મેટ ગાલા ઇવેન્ટ યોજાઈ એ પછી સેલિબ્રિટીઝના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ ઘટી રહ્યા છે. ‘બ્લૉકઆઉટ 2024’ મૂવમેન્ટ હેઠળ તેમના સિવાય અત્યાર સુધી આલિયા, પ્રિયંકા, કિમ કર્ડાશિયન, ટેલર સ્વિફ્ટ, બિયૉન્સે, કાયલી જેનર, ઝેન્ડેયા, માઇલી સાયરસ, સેલેના ગોમેઝ, ઍરીઆના ગ્રાન્ડે, ડેમી લોવાટો, નિક જોનસ, કાન્યે વેસ્ટ અને કેટી પેરી જેવી ઘણી સેલિબ્રિટીઝ છે જેમને બ્લૉક કરવામાં આવી રહી છે. તેઓ ઇઝરાયલ-હમાસ યુદ્ધના મામલે ચૂપ બેઠાં છે. લોકોમાં એ વાતનો આક્રોશ છે કે એક બાજુ ઇઝરાયલી દળોએ ગાઝાના રફાહ બૉર્ડર ક્રૉસિંગ પર કબજો કર્યો છે અને બીજી બાજુ સેલિબ્રિટીઝ મેટ ગાલા જેવી ઇવેન્ટમાં હાજરી આપી રહી છે.