હેપ્પી બર્થ ડે પ્રિટી ઝિંટાઃ પ્રિટીના યાદગાર પાત્રો પાસેથી આ શીખવા જેવુ
તસવીર સૌજન્ય - યુ ટ્યુબ
પ્રિટી ઝિંટાની બબલી પર્સનાલીટી કરતા તેનામાં હંમેશાથી કંઇક વધારે રહ્યું છે તે ચોક્કસ. જો તમે તેની ફિલ્મોનાં પાત્રોનું અવલોકન ધ્યાનથી કરશો તો તમને લાગેશે કે તેના દરેક પાત્રમાંથી કંઇ શીખવા જેવું મળે છે. જો તમે પ્રિટીના ફેનની માફક તેની ફિલ્મી યાત્રા અને જિંદગીને પણ અનુસરી હશે તો તમને સમજાશે કે આ સુંદર પ્રિટી પ્રિટી ગર્લ માત્ર બબલી પર્સનાલિટીથી કંઇ ગણી વધારે છે. 1998માં બૉલીવુડની ફિલ્મોમાં એન્ટ્રી કરનારા પ્રિટીએ તેની પહેલી ફિલ્મથી જ દર્શકોને પોતાની સ્ટાર વેલ્યુની ઝલક આપી હતી. દર્શકોને ખબર પડી ગઇ હતી કે સ્ટારનો જન્મ થઇ ગયો છે. તેના ગાલમાં પડતા ખંજન તેના સ્માઇલનું મૂલ્ય અધધધ વધારી દે છે તો ચોક્કસ પણ તેણે માત્ર ઝાડની આસપાસ ગોળ ગોળ ફરવાનાં પાત્રો પસંદ ન કર્યા પણ મજબુત પર્સનાલીટી ધરાવતા પાત્રો પણ કર્યા. બબલી પ્રિટી ઝિંટાનો આજે બર્થે ડે છે તો આપણે તેના કેટલાક યાદગાર પાત્રોને મમળાવીએ અને જોઇએ કે કયું પાત્ર શું સંદેશ આપે છે.
- 1. દિલ સે – એ સવાલ પુછવાનું ચૂકશો નહીં
ADVERTISEMENT
મણી રત્નમની મજાની ફિલ્મ દિલ સે માત્ર આતંકવાદની કહાની નથી. ફિલ્મ મેકરની બીજી ફિલ્મોની માફ તેમાં પણ કેટલીક સંવેદનશીલ ક્ષણો છે જેમાં હૈયું ઝબોળાઇ જાય એ નક્કી. વળી તેમાં જરૂર પડ્યે રમુજનો વઘાર પણ કર્યો હોય છે. પ્રિટીના અદ્ભૂત સિનમાંથી એકની ગણના કરવાની હોય તો આ સિન તો યાદ કરવો જ પડે જેમાં તે શાહરૂખ ખાનના પાત્ર અમરકાંત વર્મા જે તેની સાથે લગ્ન કરવાનો છે તેને પુછે છે કે એ વર્જીન છે કે નહીં? શાહરૂખ ખાન જેને સ્ત્રીઓને કેવી રીતે અભિભૂત કરવાની તે બરાબર આવડે છે અને એ માટે તેને જરાય મહેનત નથી કરવી પડતી એ પણ તેની હિરોઇનના અ સવાલથી બઘવાઇ જાય છે. સામે વાળાને ચુપ કરી દેવા અને ચક્તિ કરી દેવા તમે પણ હવે મુરતિયો જોવા જાવ તો બિંધાસ્ત આ સવાલ તો પુછી જ લેજો.
2.સંઘર્ષ – તમારા ભય સામે લડો
તનુજા ચંદ્રાની ફિલ્મ સંઘર્ષ ભલભલાના કાળજા કંપવી મુકે એવી ફિલ્મ હતી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આષુતોશ રાણાએ હજી એક્ટર તરીકે શરૂઆત જ કરી હતી અને તે તેના ડરામણા પાત્રો માટે ફેમસ થઇ ચૂક્યો હતો. પ્રિટી ઝિંટાએ આ ફિલ્મમાં સીબીઆઇ અધિકારી રીત ઓબેરોયનું પાત્ર ભજવ્યું હતું જેને લજ્જા શંકર પાંડેને પકડવાનો હતો. લજ્જા શંકર જે છુટો ફરી રહેલો હિંસક ગુનેગાર છે. પ્રિટી ઝિંટાના પાત્રને અંધારાની બીક લાગે છે અને તેનો ડર તેના આ અસાઇન્ટમેન્ટમાં તેને બહુ આડો આવે છે. અક્ષય કુમાર જે અમનનું પાત્ર ભજવે છે તેની મદદથી તે પોતાના ડર પર જીત મેળવે છે. આપણા બધાની જિંદગીમાં પ્રોફેસર અમન તો નથી હોતા પણ એ જરૂરી છે કે ડર્યા વિના જીવવું હોય તો ભલભલી બીક સામે જીત મેળવવી પડે છે.
3.ક્યા કહેના / સલામ નમસ્તે – એકલા ચાલો રે..
ક્યા કહેના અને સલામ નમસ્તે, આ બંન્ને ફિલ્મોમાં પ્રિટી ઝિંટાનું પાત્ર એકદમ સ્વતંત્ર દર્શાવાયું છે જે લગ્ન પહેલાં પ્રેગનન્ટ થઇ જાય છે. બંન્ને ફિલ્મોમાં તેને આ સ્થિતિમાં પડતી મુકવા વાળા બેફિકરા યુવાનું પાત્ર સૈફ અલીએ ભજવ્યું છે. તે ગર્ભપાત કરાવવાનો નિર્ણય લેવાને બદલે એકલા હાથે બાળકને ઉછેરવાનું નક્કી કરે છે. સલામ નમસ્તેમાં તેને સૈફ અલી ખાન પાર્ટનર તરીકે મળે છે પણ ક્યા કહેનામાં તે પાછા ફરેલા સૈફને સ્વીકારતી નથી. પુરુષો તો પુરૂષો જ રહેવાના પણ પ્રિટી બતાડે છે કે કઇ રીતે સ્ત્રી સ્વતંત્ર રહી શકે છે.
4. ચોરી ચોરી ચુપકે ચુપકે – એસ્કોર્ટ છે તો શું થયું, હ્રદય તો એને પણ હોય છે
ચોરી ચોરી ચુપકે ચુપકે ફિલ્મ એ અબ્બાસ મસ્તાનની બીજી ફિલ્મો કરતા ઘણી જૂદી ફિલ્મ હતી. સરોગસીના થીમ પર બનેલી એ પહેલી ફિલ્મ હતી. અહીં પ્રિટીએ મધુનું પાત્ર ભજવ્યુ હતું. તે એક એસ્કોર્ટ છે જે પહેલાં તો રાજ અને પ્રિયાના બાળક વિહોણા જીવનને ક્ષુલ્લકતાથી જૂએ છે પણ પછી પરિસ્થિતિ સ્વીકારે છે, સમજે છે અને તેનાથી પ્રેગનેન્ટ પણ થાય છે. અબ્બાસ મસ્તાનની ફિલ્મમાં ટ્વિસ્ટ વગર તો ચાલે નહીં એટલે અહીં પ્રિટી ઝિંટા સલમાન ખાનના પાત્રના પ્રેમમાં પડી જાય છે. એસ્કોર્ટનું હ્રદય પણ લાગણીશીલ જ હોય છે એ મુદ્દાને આ ફિલ્મ અને પાત્ર આબાદ રજૂ કરે છે.
5. કલ હો ના હો- પ્રેમનું પહેલું પગથિયું દોસ્તી છે
શાહરૂખ ખાને આમ તો કુછ કુછ હોતા હૈમાં જ કહી દિધું હતું કે પ્યાર દોસ્તી હૈ. ડિરેક્ટર નિખિલ અડવાણીએ આ ફંડામાં જરાક ફેર કર્યો અને એ જ એક્ટરને તેની ડેબ્યુ ડિરેક્ટોરિયલ ફિલ્મમાં આખી દુનિયાને ફરી શિખવવા કહ્યુ કે દોસ્તી એ પ્રેમ તરફનું પહેલું પગલું છે. ચશ્મીશ અને બોરિંગ નૈનાનું પાત્ર ભજવતી પ્રિટી ઝિંટાને આ ફંડા શિખવવામા આવે છે. નૈનાને ખબર નથી કે તેનો ખાસ મિત્ર રોહીત તેના પ્રેમમાં પડી ચૂક્યો છે. આ પ્રણય ત્રિકોણામાં પ્રેમના પાઠ તો શાહરૂખ જ ભણાવે છે પણ જો નૈનાને આ વાત સમજ પડી શકે તો તમને પણ તો પડી જ શકેને વળી!
6.લક્ષ્ય – ગમે તે હોય લક્ષ્ય હમેશા રાખો
રોમીલા દત્ત એક એવી છોકરી છે જેના જીવનમાં લક્ષ્ય બહુ સાફ છે અને તેને બરાબર ખબર છે કે તેને જિંદગીમાં શું જોઇએ છે. તે એક જર્નાલિસ્ટ છે અને તેની મહત્વકાંક્ષા એકદમ સ્પષ્ટ છે. તેનો બોયફ્રેન્ડ કરણ શેરગીલ મોજીલો છે અને એને બસ જિંદગીમાં જલસા કરવા છે. આપણને આખી જિંદગી એવા જ છોકરાઓ તો ભટકાતા હોય છે. રોમીલા હંમેશા કહે છે કે, “કરણ કી લાઇફ મેં લક્ષ્ય હી નહીં હૈ” અને અંતે એક દિવસ તેને પડતો મુકીને ચાલી જાય છે. આ થાય છે અને કરણ ફરી આર્મીમાં જોડાઇ જાય છે કારણકે તે આ આઘાત નથી હેન્ડલ કરી શકતો. તે દેશ પ્રેમ માટે નહીં પણ હ્રદય ભંગ થવાથી આર્મીમાં જોડાય છે. રોમીલાનો પ્રેમ તેને બદલે છે અને તે એક નિડર સૈનિક સાબિત થાય છે. કહી શકાય કે લક્ષ્ય નથી તો પ્રેમ પણ તો નથી.
7. વીર ઝારા – સાચા પ્રેમને સરહદો કે ઉંમરનો બાધ નથી નડતો
ભારતીય ફિલ્મોમાં અનેકવાર એ વાત ચર્ચાઇ છે કે પ્રેમને ઉંમર કે સરહદો નથી નડતા. શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે ભારતની બધી જ વાર્તાઓ લવ સ્ટોરીઝ જ હોય છે. યશ ચોપરાની વીર ઝારા પણ આવા જ એક અધુરા પ્રેમની પેશનથી ભરેલી ફિલ્મ હતી. તે એક એવા ભારતીય પુરુષ અને પાકિસ્તાની સ્ત્રીની વાર્તા હતી જેમના પ્રેમમાં ધર્મ તો આડે નથી આવતો પણ સબ્ટરફ્યૂજનો કેસ આડો આવે છે. 22 વર્ષ પછી મળેલા પ્રેમીઓ ફરી એ ક્ષણો જીવે છે અને સાથે માણેલા પળોને તેરે લીયેના ટ્રેકની સાથે જીવંત કરે છે. સાચો પ્રેમ ક્યારેય મરતો નથી એ શીખવવામાં વીર ઝારા તો માસ્ટર ક્લાસનુ કામ કરે છે.
8.કભી અલવિદા ના કહેના – એક થપ્પડ મારી જ દો
કરણ જોહરની ફિલ્મ કભી અલવિદા ના કહેના એ બહુ ઓછી એવી ફિલ્મોમાંની એક છે જે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપને એ રીતે દર્શાવે છે જેમાં પતિ-પત્ની અંતમાં એકબીજા પાસે નથી જતા. મહેશ ભટ્ટની અર્થ પણ આવી અલગ ફિલ્મ હતી. પ્રિટી ઝીંટાનું પાત્ર માયા તેની કારકિર્દીમાં ખૂબ સફળ છે પણ તેના પતિની અસલામતી અને બેવફાઇને કારણે તેનું લગ્ન જીવન ભંગાણને આરે છે. કરણ જોહરે આ પાત્ર શાહરૂખ ખાન પાસે આબાદ રજૂ કરાવ્યુ હતું. હંમેશા સાચા પ્રેમીનો રોલ કરતો એક્ટર અહીં પત્નીને છેતરતો પતિ હોય છે. જ્યારે માયાને આ સત્ય ખબર પડે છે ત્યારે તે રડી નથી પડતી ન કોઇ લાંબો સંવાદ બોલે છે પણ બસ તેના પતિના ચહેરા પર એક સણસણતો તમાચો મારે છે. ચિટીંગ કરતા વરને સવાલ કરવાની કે ઇમોશનલી બ્લેકમેલ કરવાની જરૂર નથી બસ એક થપ્પડ જ બહુ છે એવું આ પાત્ર આપણને શીખવે છે.

