પાર્ટી તો બનતી હૈ
ભૂમિ પેડણેકર તેની ૨૦૧૯ની ફિલ્મોની સફળતાને તેના મેન્ટર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. ભૂમિએ તેના પર્ફોર્મન્સ દ્વારા બૉલીવુડમાં તેની જગ્યા બનાવી છે. તેનું ૨૦૧૯નું વર્ષ ખૂબ જ અદ્ભુત રહ્યું છે. તેણે ‘સાંડ કી આંખ’, ‘બાલા’ અને ‘પતિ, પત્ની ઔર વો’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આ તમામ ફિલ્મો મળીને ભૂમિએ વર્લ્ડવાઇડ ૩૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. તેમ જ ‘સાંડ કી આંખ’ માટે તેને બેસ્ટ ઍક્ટ્રેસના ઘણા અવૉર્ડ્સ મળ્યા છે. તેની કરીઅરની આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે તે આ પાર્ટીનું આયોજન કરી રહી છે. તેની નજીકની વ્યક્તિએ આ વિશે કહ્યું હતું કે ‘આ ભૂમિ માટે ખૂબ જ પ્રાઇવેટ પાર્ટી છે. આ પાર્ટીમાં તેની કરીઅરની શરૂઆતથી તેના માટે જે-જે વ્યક્તિએ તેનો સાથ આપ્યો છે અને તેના પડખે ઊભી રહી છે તેમને આ પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવશે. તેને બેસ્ટ ઍક્ટ્રેસનો જે અવૉર્ડ મળ્યો એને સેલિબ્રેટ કરી તે દરેકને આમંત્રિત કરવા માગે છે. આ પાર્ટી તે પ્રાઇવેટ રાખવા માગતી હોવાથી એનું આયોજન તેણે તેના ઘરે જ કર્યું છે.’
ભૂમિ હાલમાં ‘દુર્ગાવતી’માં વ્યસ્ત છે અને આ સાથે જ તેની ઘણી ફિલ્મો પણ આ વર્ષે રિલીઝ થઈ રહી છે. આ વિશે વધુ જણાવતાં ભૂમિની નિકટની વ્યક્તિએ કહ્યું હતું કે ‘ભૂમિ છેલ્લાં બે વર્ષથી સતત કામ કરી રહી છે અને આથી તેને તેના નિકટના લોકો સાથે સમય પસાર કરવાનો ટાઇમ નથી મળ્યો. આ બે વર્ષમાં સ્ટાર બનવા માટે તેણે તેના જી-જાન લગાવી દીધા છે. તે હાલમાં જ ભોપાલમાં ‘દુર્ગાવતી’નું શૂટિંગ કરી રહી હતી. એનું શેડ્યુલ પૂરું થતાં તેણે આ પાર્ટીનું આયોજન કર્યું છે અને ત્યાર બાદ ફરી શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આ વર્ષે તેની ‘ડૉલી, કિટી ઔર વો ચમકતે સિતારે’, ‘દુર્ગાવતી’ અને એક બિગ બજેટ ફિલ્મ રિલીઝ થશે જેની હજી સુધી જાહેરાત કરવામાં નથી આવી. આ સાથે જ તે કરણ જોહરની ‘તખ્ત’નું પણ શૂટિંગ કરશે.’