પહેલાં ટૅલન્ટ અગત્યની હતી, હવે ટૅલન્ટ મૅનેજમેન્ટ આવી ગયું છે: અમ્રિતા
અમ્રિતા રાવ
અમ્રિતા રાવનું કહેવું છે કે પહેલાં ટૅલન્ટને મહત્ત્વ આપવામાં આવતું હતું અને હવે તો ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપનીઓ આવી ગઈ છે. અમ્રિતા રાવે ૨૦૦૨માં ‘અબ કે બરસ’ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ૨૦૦૩માં આવેલી ‘ઇશ્ક વિશ્ક’થી તેને ખરી ઓળખ મળી હતી. વર્તમાનમાં સોશ્યલ મીડિયાના ચલણને લઈને અમ્રિતા રાવે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા અને પીઆર કંપનીના અસ્તિત્વ પહેલાં હાલમાં આપણે ઍક્ટર્સની જે લોકપ્રિયતા અને સેલિબ્રિટી સ્ટેટસ જોઈએ છીએ એ તેમની ટૅલન્ટને કારણે છે. હું જ્યારે ટીનેજમાં ઇન્ડસ્ટ્રીમાં આવી અને ‘ઇશ્ક વિશ્ક’, ‘મસ્તી’ અને ‘મૈં હૂં ના’માં કામ કર્યું તો લોકો મને મારા પર્ફોર્મન્સને કારણે ઓળખતા થયા હતા. જોકે ‘મૈં હૂં ના’માં સુપરસ્ટાર્સ શાહરુખ ખાન અને સુસ્મિતા સેન હતાં. હાલમાં ઍક્ટર્સ સોશ્યલ મીડિયામાં પોતાની હાજરીને કારણે પૉપ્યુલર બને છે. મને એવું લાગે છે કે એક ઍક્ટરને તેના કૅરૅક્ટર અને ફિલ્મોને કારણે યાદ રાખવામાં આવે છે. સોશ્યલ મીડિયામાં પૉપ્યુલર થવામાં કંઈ ખોટું નથી, કેમ કે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. મેં ટ્રાન્ઝિશન પિરિયડ દરમ્યાન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ટૅલન્ટ હોવી ખૂબ અગત્યની છે અને એક કલાકાર તરીકે અમે અમારી સ્કિલ્સને નિખારતા હતા. હવે તો ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપનીઓ આવી ગઈ છે. જોકે આ એક સારી બાબત છે. આ એક સારું કલ્ચર છે જેનાથી કલાકારો કામની તકોને લઈને વધુ સિક્યૉર અનુભવે છે.’

