દિયા મિર્ઝાએ ૨૦૦૧માં આવેલી ‘રહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ અગાઉ તે ‘મિસ એશિયા પૅસિફિક’ અને ‘મિસ ઇન્ડિયા એશિયા પૅસિફિક’નું ટાઇટલ જીતી હતી
દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ ૨૦૦૧માં આવેલી ‘રહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ અગાઉ તે ‘મિસ એશિયા પૅસિફિક’ અને ‘મિસ ઇન્ડિયા એશિયા પૅસિફિક’નું ટાઇટલ જીતી હતી. તેણે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તેની ઉંમર ૨૦ વર્ષની હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. તેની ‘ધક ધક’ શુક્રવારે રિલીઝ થઈ છે. ચોક્કસ ઉંમર પછી કામ નહીં મળે એવું તે માની બેઠી હતી. એ વિશે દિયાએ કહ્યું કે ‘મારી જેમ અનેક યંગ ઍક્ટ્રેસ માનતી હતી. હું જ્યારે ૨૦ની ઉંમરે હતી ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે ૩૫થી ૪૫ની વયે પણ હું કામ કરતી હોઈશ. હું એમ વિચારતી હતી કે જો મારે કામ સતત ચાલુ રાખવું હોય તો ફિલ્મોમાં ધગશથી કામ કરવું પડશે. મારી ઉંમર જેમ-જેમ વધતી જશે એમ કદાચ મને વધુ સારા રોલ મળતા જશે. જોકે એમાં હવે પરિવર્તન આવ્યું છે.’
એનું શ્રેય તબુને આપતાં દિયાએ કહ્યું કે ‘તબુને જોઈને મને ખૂબ આનંદ થાય છે. મને લાગે છે કે તે ફીલ્ડમાં પથદર્શક છે, કારણ કે પોતાની આખી લાઇફ દરમ્યાન તે સતત કામ કરી રહી છે. સાથે જ તેણે અનેક મહિલાઓને એહસાસ કરાવ્યો છે કે જો કોઈ એક વખત ઍક્ટર બની જાય તો તે હંમેશ માટે ઍક્ટર જ હોય છે. એક કલાકાર આખા જીવન પર્યંત કલાકાર જ હોય છે. એથી જો તમે પ્રગતિ કરવા માગતાં હો અને પોતાની કળાને નિખારવા માગતાં હો તો એક વ્યક્તિ તરીકે પણ આગળ વધો અને તો તમને કામ પણ મળશે.’

