આશા ભોસલેએ લતા મંગેશકર સાથે વિતાવેલા દિવસોને યાદ કરીને જણાવ્યું હતું કે સાંજે દીવાના પ્રકાશમાં લતાદીદી તાનપૂરા લઈને તેમને ગીત ગાતાં શીખવાડતાં હતાં.
આશા ભોસલેએ લતા મંગેશકરને યાદ કર્યા
આશા ભોસલેએ લતા મંગેશકર સાથે વિતાવેલા દિવસોને યાદ કરીને જણાવ્યું હતું કે સાંજે દીવાના પ્રકાશમાં લતાદીદી તાનપૂરા લઈને તેમને ગીત ગાતાં શીખવાડતાં હતાં. સ્ટાર પ્લસ પર આવતા ‘નામ રહ જાએગા’ શોમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમની સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો પર પ્રકાશ પાડવામાં આવે છે. આ શોમાં અનેક કલાકારોએ આવીને લતા મંગેશકર સાથેની પળોને યાદ કરી છે. એ વિશે હાલમાં જ આશા ભોસલેએ કહ્યું કે ‘અન્ય ઘરોમાં બાળકો સાથે બેસતાં, શીખતાં અને ઘડિયા શીખતાં હતાં પરંતુ અમારા ઘરમાં અમે સાંજે દીવો કરતાં, લતાદીદી તાનપૂરા લઈને બેસતાં અને અમને ગીત ગાતાં શીખવાડતાં હતાં. લતાદીદીએ ક્યાંક વાંચ્યું હતું કે પેરન્ટ્સનાં પગનું પાણી પીએ તો જીવનમાં તમે ઘણું સારું કરો છો. એથી તેમણે મને કહ્યું કે બાબાના પગ પરથી પાણી પસાર થાય એ લઈને આવ. તેમનું માનવું હતું કે અમને પેરન્ટ્સનું ચરણામૃત મળ્યું છે એથી આપણે જીવનમાં ખૂબ પ્રગતિ કરીશું. હું પણ માનું છું કે તેમના આશીર્વાદ હંમેશાં અમારી સાથે જ છે.’
લતા મંગેશકર સાથે ગીત ગાવું તેમને પડકારજનક લાગતું હતું. એ વિશે આશા ભોસલેએ કહ્યું કે ‘દીદી સાથે ગીત ગાવું એટલે ‘પહાડથી ટકરાવા’ સમાન હતું. આમ છતાં એ સંતોષજનક તો હતું જ પરંતુ સાથે જ ચૅલેન્જિંગ પણ રહેતું હતું. તેમની પાસેથી ‘વાહ’ સાંભળવું ખૂબ અઘરું હતું. જોકે મને ‘મન ક્યૂં બહકા રે બહકા આધી રાત કો’ માટે તેમના તરફથી ‘વાહ’ સાંભળવા મળ્યું હતું. એને તો હું આજીવન માણતી રહીશ.’