‘જય ભીમા યોજના’માં અર્શદ વારસી પહેલી વાર બે પાત્રો ભજવશે
અર્શદ વારસી
અર્શદ વારસી ‘જય ભીમા યોજના’માં પહેલી વખત ડબલ રોલમાં દેખાવાનો છે. આ ક્રાઇમ-કૉમેડીને ‘ડૉલી કી ડોલી’નો ડિરેક્ટર અભિષેક ડોગરા ડિરેક્ટ કરશે. સાથે જ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થોડા દિવસો અગાઉ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અર્શદની સાથે વિજય રાઝ, સંજીદા શેખ, પૂજા ચોપડા અને બિજેન્દ્ર કાલા પણ જોવા મળશે. સ્ક્રિપ્ટને લઈને અર્શદ વારસીએ કહ્યું કે ‘નરેશન દરમ્યાન હું ખૂબ હસ્યો હતો. મારો ડબલ રોલ હોવો એટલે સોનામાં સુગંધ ભળવા જેવી બાબત છે. ડિરેક્ટરનું ચોક્કસ પ્રકારનું વિઝન છે અને હું એને ફૉલો કરી રહ્યો છું. હું એવા બે માણસનો રોલ કરવાનો છું જે દેખાય છે તો સરખા, પણ તેમનાં વ્યક્તિત્વ અલગ છે. સ્ક્રિપ્ટમાં મજાક અને ડ્રામાનું સારું બૅલૅન્સ જાળવી રાખવામાં આવ્યું છે.’
ફિલ્મમાં અર્શદ જીવન અને ભીમા નામના બે માણસના રોલમાં દેખાશે. એમાંનો એક પ્રામાણિક છે તો બીજો અપરાધમાં સંડોવાયેલો છે. પોતાના રોલની તૈયારી વિશે અર્શદ વારસીએ કહ્યું હતું કે ‘રોલની તૈયારીની વાત કરું તો દિમાગ એક શક્તિશાળી સાધન છે. ઉદાહરણ તરીકે ‘સેહર’નો અજય કુમાર અને ‘મુન્નાભાઈ’નો સર્કિટ. હવે કલ્પના કરો કે આ બધા એક જ ફિલ્મમાં હોય તો! બસ, એટલુ જ સરળ છે. ૧૦ દિવસથી અમે શૂટિંગ કરી રહ્યા છીએ અને ખૂબ મજા પડી રહી છે. વિજય રાઝ, સંજીદા શેખ, પૂજા ચોપડા અને બિજેન્દ્ર કાલા મારા કો-સ્ટાર્સ છે. તમે ધારી પણ નહીં શકો કે ઑફ-કૅમેરા અમે કેટલી મજા કરીએ છીએ. ઇમ્પ્રોવાઇઝેશન તો આપોઆપ થઈ જાય છે.’