અનુરાગે જ્યારે ‘સાયા’ અને ‘મર્ડર’નું શૂટિંગ પૂરું કર્યું હતું ત્યારે ૨૦૦૪માં તેને બ્લડ કૅન્સર હોવાનું નિદાન થયું હતું
અનુરાગ બાસુ
અનુરાગ બાસુને કૅન્સરનું નિદાન થયા બાદ ડૉક્ટરે તેને બે અઠવાડિયાંનો સમય આપ્યો હતો અને એ દરમ્યાન તેણે ‘ગૅન્ગસ્ટર’નું શૂટિંગ કર્યું હતું. અનુરાગે જ્યારે ‘સાયા’ અને ‘મર્ડર’નું શૂટિંગ પૂરું કર્યું હતું ત્યારે ૨૦૦૪માં તેને બ્લડ કૅન્સર હોવાનું નિદાન થયું હતું. એ દરમ્યાન ડૉક્ટરે તેને ફક્ત બે અઠવાડિયાં જીવશે એવું કહ્યું હતું અને એ દરમ્યાન તેની પત્ની પણ પહેલી વાર પ્રેગ્નન્ટ હતી. આ વિશે અનુરાગ બાસુએ કહ્યું કે ‘એ સમયે મારી પત્ની તાની સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી. તે મારી ક્લોઝ રહેવા માગતી હતી, પરંતુ એમાં તેને મુશ્કેલી પડી રહી હતી. હું મારી જાતને બે વધુ મહિના જીવું એ માટે પુશ કરી રહ્યો હતો જેથી હું મારા બાળકનો ચહેરો જોઈ શકું. ત્યાર બાદ હું મારી જાતને સતત પુશ કરતો રહ્યો. માથું દુખવું અને વીકનેસ સિવાય હું એકદમ સારો હતો. હું ઇમરાન હાશ્મી અને અન્ય સાથે હૉસ્પિટલ-રૂમમાંથી ભાગીને બિયર પીવા પણ જતો રહેતો હતો.’
અનુરાગ બાસુને પહેલાં લીલાવતી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને તાતા હૉસ્પિટલ લઈ જવાયો હતો. આ વિશે અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘હું જેવો તાતા હૉસ્પિટલ પહોંચ્યો કે તરત મને વેન્ટિલેટર પર રાખ્યો હતો. મને ત્યાં બેડ પણ નહોતો મળી રહ્યો. એ વખતે સુનીલ દત્તે મને ત્યાં બેડ અપાવ્યો હતો. હું પોતાને નસીબદાર માનું છું કે હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું, કારણ કે એને કારણે મને તરત બેડ અને ટ્રીટમેન્ટ મળ્યાં હતાં. કૉમન મૅનને આ મળવું મુશ્કેલ બન્યું હોત. ટેલિવિઝનથી મને જે લોકો ઓળખતા હતા તેઓ મને મેસેજ કરી રહ્યા હતા. મને જીવતો રાખવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. મને નથી ખબર કે મને બચાવવા માટે કોણે-કોણે બ્લડ અને પ્લેટલેટ્સ ડોનેટ કર્યાં હતાં. મારી નસોમાં કોનું લોહી છે એની પણ મને નથી ખબર. જોકે મને ટ્રીટમેન્ટ માટે પૈસાની જરૂર હોવાથી મેં કીમો થેરપી દરમ્યાન ‘ગૅન્ગસ્ટર’ શૂટ કરી હતી.’