બૉબીને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને થોડા સમય પહેલાં જ તેના ભાઈ સની દેઓલની ‘ગદર 2’ને પણ ચાહકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.
બોબી દેઓલ
બૉબી દેઓલનું કહેવું છે કે દેઓલ્સને જે પ્રેમ મળી રહ્યો છે એનાથી તે ખૂબ જ ખુશ છે. તેણે હાલમાં કમબૅક કર્યું છે. તે રણબીર કપૂર સાથે ‘ઍનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો તેના પાત્રની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ જોયા બાદ પણ તેના પાત્રને લોકોએ પસંદ કર્યું હતું પરંતુ લોકો નારાજ થયા હતા, કારણ કે તેનું પાત્ર ખૂબ જ નાનું હતું. બૉબીને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને થોડા સમય પહેલાં જ તેના ભાઈ સની દેઓલની ‘ગદર 2’ને પણ ચાહકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. આ વિશે વાત કરતાં બૉબી દેઓલે કહ્યું કે ‘લોકોનો પ્રેમ મળવાથી અને તેઓ નોટિસ કરે છે એ જાણીને મને સારું લાગે છે. મને લાગે છે કે મારી મહેનતનું ફળ મને મળી રહ્યું છે. ફિટ રહેવું સરળ નથી અને એ માટે તમારે ઘણો સમય ફાળવવો પડે છે. લોકોને મારી બૉડી પસંદ આવી એની પણ મને ખુશી છે. મને લાગે છે કે ભગવાન મારા પર અને મારી ફૅમિલી પર ખૂબ જ મહેરબાન છે. મારા ભાઈને સફળતા, મારા પિતાને પણ ખૂબ જ પ્રેમ મળ્યો છે. મારી ફિલ્મ આવી અને એને પણ લોકોએ પસંદ કરી. અમને દેઓલ્સને જે પ્રેમ મળી રહ્યો છે એની મને ખૂબ જ ખુશી છે. આ ખૂબ જ અદ્ભુત છે. સારો સમય અને ખરાબ સમય બન્ને આવે છે, પરંતુ મેં નહોતું વિચાર્યું કે આવું થશે. આવું ફક્ત મારા વિચારોમાં થતું હતું. મેં એવી આશા રાખી કે બધું સારું થઈ જાય અને મારી સાથે બધું સારું થયું. એ માટે હું ભગવાનનો આભારી છું. મારી ફૅમિલી અને ફૅન્સ આશા રાખી રહ્યાં હતાં કે હું આવું કોઈ પાત્ર ભજવું. તેમણે મને નેગેટિવ પાત્રમાં પણ સ્વીકાર્યો. ઍક્ટર માટે આ એક જીત છે.’