હૉલીવુડ સ્ટાર ઍન્ડ્રુ ગારફીલ્ડ સાથે આલિયા, પહાડોમાંથી પ્રેરણા મેળવે છે રોહિતાશ , મને એવું લાગે છે કે આ રોલ મારા માટે જ બન્યો છે : પ્રાચી બંસલ અને વધુ સમાચાર
કુણાલ ઠાકુર , મુક્તિ મોહન
‘ઍનિમલ’માં રશ્મિકા મંદાનાના ફિયાન્સનો રોલ કરનાર કુણાલ ઠાકુરે ડાન્સર-ઍક્ટર મુક્તિ મોહન સાથે લગ્ન કરી લીધાં છે. મુક્તિ મોહન એ નીતિ મોહન, શક્તિ મોહન અને ક્રિતી મોહનની બહેન છે. લગ્નના ફોટો કુણાલ ઠાકુર અને મુક્તિ મોહને શૅર કર્યા છે. બન્નેએ રેડ અને વાઇટ આઉટફિટ પહેર્યાં હતાં. લગ્નના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મુક્તિ મોહને કૅપ્શન આપી હતી, ‘તારામાં મને મારા ડિવાઇન સંબંધ દેખાય છે. તારી સાથે મારું મિલન મારા નસીબમાં લખાયેલું છે. ભગવાન, પરિવાર અને ફ્રેન્ડ્સે આપેલા આશીર્વાદની હું આભારી છું. આપણો પરિવાર પણ ઉત્સુક છે. આપણને હસબન્ડ-વાઇફ તરીકે સફળ લગ્નજીવનના આશીર્વાદ આપ્યા છે.’
હૉલીવુડ સ્ટાર ઍન્ડ્રુ ગારફીલ્ડ સાથે આલિયા
ADVERTISEMENT
આલિયા ભટ્ટે હાલમાં રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. ત્યાં તેણે પાકિસ્તાનની સેલિબ્રિટીઝ સાથે પણ ફોટો કિલક કરાવ્યા હતા. હવે હૉલીવુડ સ્ટાર ઍન્ડ્રુ ગારફીલ્ડ સાથે તે વાત કરી રહી છે એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ વિડિયોમાં આલિયાએ ફ્લાવર્સની ડિઝાઇનવાળો સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યો છે. આલિયા અને ઍન્ડ્રુ હાથ મિલાવી રહ્યાં છે. એને જોઈને સોશ્યલ મીડિયામાં તેમના ફૅન્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ બન્ને કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરે. જોકે આલિયાએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘હાર્ટ ઑફ સ્ટોન’ દ્વારા હૉલીવુડમાં એન્ટ્રી કરી લીધી છે.
પહાડોમાંથી પ્રેરણા મેળવે છે રોહિતાશ
‘ભાબીજી ઘર પર હૈં’માં જોવા મળતા રોહિતાશ ગૌરને જ્યારે પણ સમય મળે ત્યારે તે પહાડોથી છવાયેલા કુદરતી સૌંદર્યનો આનંદ લેવા પહોંચી જાય છે. તેનું માનવું છે કે પહાડોમાંથી મને પ્રેરણા મળે છે. આ સિરિયલમાં તે મનમોહન તિવારીના રોલમાં છે. પહાડો વિશે રોહિતાશ ગૌરે કહ્યું કે ‘હું શિમલાનો છું, જે પહાડોની રાણી તરીકે ઓળખાય છે. એના પર કુદરતની કૃપા વરસેલી છે. હિમાલયનાં રમણીય દૃશ્યો, ચારેય બાજુ લીલીછમ હરિયાળી, તળાવો અને ખુશનુમા વાતાવરણ છે. પહાડી હોવાથી હું પહાડો સાથે જોડાયેલો છું. ટ્રેકિંગ કરવાનો પણ અલગ આનંદ છે. મને જ્યારે પણ ક્રીએટિવ ઇન્સ્પિરેશનની જરૂર હોય ત્યારે હું પહાડો તરફ નીકળી જાઉં છું, જ્યાંની શુદ્ધ હવા મારી અંદરના શ્રેષ્ઠને બહાર કાઢે છે. ઉનાળાના વેકેશનમાં મારા ફ્રેન્ડ્સ અને હું નદીઓ અને ખીણ તરફ ફરવા નીકળી જઈએ છીએ. સાથે ફિશિંગ પર પણ નસીબ અજમાવીએ છીએ. ઉનાળાના થોડા દિવસ બાકી હોય તો પણ હું શિમલા જાઉં છું અને એના કુદરતી સૌંદર્યમાં ગુમ થઈ જાઉં છું.’
મને એવું લાગે છે કે આ રોલ મારા માટે જ બન્યો છે : પ્રાચી બંસલ
પ્રાચી બંસલ ‘શ્રીમદ રામાયણ’માં સીતાની ભૂમિકામાં જોવા મળવાની છે. આ સિરિયલ સોની પર પહેલી જાન્યુઆરીથી શરૂ થવાની છે. તેનું માનવું છે કે આ રોલ તેને માટે જ બન્યો છે. આ શોમાં ભગવાન શ્રીરામના પાત્રમાં સુજર રેઉ જોવા મળશે. આ શોનો પ્રોમો હાલમાં રિલીઝ થયો છે. એમાં માતા સીતા પ્રત્યેની ભગવાન શ્રીરામની અતૂટ આસ્થા અને શ્રદ્ધા દેખાડવામાં આવી રહી છે. પોતાના રોલ વિશે પ્રાચી બંસલે કહ્યું કે ‘મને લાગે છે જાણે આ રોલ મારા માટે જ બન્યો છે. આવી ભૂમિકા દરેક ઍક્ટરને ભજવવાની તક નથી મળતી. નસીબદાર હોય છે એ કલાકાર જેમને આવી તક મળે છે. અમે રામાયણ અને એની સાથે જોડાયેલી વિવિધ કથાઓ સાંભળતાં મોટાં થયાં છીએ. એથી એ કથાને સાકાર કરવી અને રામ અને સીતા જે પ્રેમ, દૃઢ નિષ્ઠા અને અતૂટ વિશ્વાસ માટે જાણીતાં છે એ માટે તેમની પૂજા થાય છે એને સુંદર રીતે દેખાડવી એ જ મોટો પડકાર છે.’