આ સવાલનો જવાબ તમને ‘ટ્રાયલ બાય ફાયર’ જોશો તો બહુ સરળતાથી મળી જશે અને તમે પણ અભય દેઉલને બલરાજ સાહની કહેતા થઈ જશો
ઍન્ડ ઍકશન...
ફાઇલ તસવીર
એક વખત ધર્મેન્દ્ર સરને મળવાનું થયું ત્યારે મેં તેમને એક સવાલ પૂછ્યો હતો,
‘સર, આપકા ફેવરિટ ઍક્ટર કૌન હૈ?’ સવાલ પૂછીને મેં ઑપ્શન પણ આપ્યા, ‘ઑપ્શન એ, સન્ની દેઉલ... ઑપ્શન બી, બૉબી દેઉલ... ઔર ઑપ્શન થ્રી... અભય દેઉલ.’
ADVERTISEMENT
ઑપ્શન સાંભળતાં જ ધર્મેન્દ્ર સર ખડખડાટ હસી પડ્યા હતા અને મને કહ્યું હતું કે ‘તુઝે તો ઇન્કમ ટૅક્સ ઑફિસર હોના ચાહિયે?’ ભલે તેમણે આવી મજાક કરી, પણ મેં મારો સવાલ પકડી રાખ્યો હતો અને પૂછ્યું હતું કે જવાબ આપો અને ધર્મેન્દ્ર સરે કંઈ લાંબું વિચાર્યા વિના સીધો જ જવાબ આપ્યો હતો, ‘ઑપ્શન સી, અભય દેઉલ...’
એ પછી તેમણે જ કહ્યું હતું કે સની અને બૉબી તો સ્ટાર છે, પણ અભય અદ્ભુત ઍક્ટર છે. તેની આંખો પણ ઍક્ટિંગ કરે છે. હું કહીશ કે આજે જેમ અમે બધા બલરાજ સાહનીને યાદ કરીએ છીએ એવી રીતે આવતા સમયમાં લોકો અભયને બલરાજ સાહનીની જેમ યાદ કરશે. સાચું કહું તો મને એ સમયે આ વાત બહુ સમજાઈ નહોતી, પણ નેટફ્લિક્સ પર ‘ટ્રાયલ બાય ફાયર’ જોયા પછી વર્ષો પહેલાં પૂછેલા સવાલના બદલામાં મળેલો જવાબ મને બહુ સહજ રીતે સમજાઈ ગયો હતો. હા, ધરમ સર બહુ સાચું કહે છે. બલરાજ સાહની છે અભય દેઉલ. ઍક્ટિંગમાં જે સંયમ જોઈએ એ સંયમ તેનામાં અદ્ભુત છે અને તેની આંખો પણ ઍક્ટિંગ કરે છે. આપણી વાતને કન્ટિન્યુ કરતાં પહેલાં કહી દઉં કે જો આ વેબ-સિરીઝ તમે ન જોઈ હોય તો પ્લીઝ, પ્લીઝ પહેલાં એ જુઓ, કારણ કે દિલ્હી કોર્ટમાં ઑલરેડી આ વેબ-સિરીઝ પર બૅન મૂકવા માટે અરજી થઈ ચૂકી છે.
‘ટ્રાયલ બાય ફાયર’ એક સત્યઘટના પર આધારિત વેબ-સિરીઝ છે. દિલ્હીમાં ઉપહાર સિનેમામાં આગ લાગી અને એ આગમાં સેંકડો લોકો જીવતા સળગી ગયા, એમાં કૃષ્ણમૂર્તિ કપલનાં દીકરો-દીકરી પણ હતાં. નીલમ અને શેખર કૃષ્ણમૂર્તિએ સિનેમાના માલિક અને સરકાર સામે લડત ચલાવી હતી, જેના પર આધારિત આ વેબ-સિરીઝમાં શેખર કૃષ્ણમૂર્તિનું કૅરૅક્ટર અભય દેઉલે કર્યું છે. તમે ટિપિકલ નજરથી જો વેબ-સિરીઝ જુઓ તો તમને એવું જ લાગે કે એમાં અભયના ભાગે કશું કરવાનું આવ્યું નથી, પણ એમ છતાં અભય દેઉલે અદ્ભુત કામ કર્યું છે. વાઇફનું બૅકબોન બનીને ઊભા રહેતા હસબન્ડનું કૅરૅક્ટર કરતી વખતે અભય દેઉલ જરા પણ પાછળ નથી પડતો. દરેકેદરેક ફ્રેમમાં તેણે એટલું કન્ટ્રોલ્ડ કામ કર્યું છે કે જેન્યુઇનલી તમને ખબર પડે કે હા, આ માણસ ઍક્ટર છે અને ઍક્ટર છે એટલે જ તેને ફ્રેમ અને સીન કોને માટે અગત્યતનાં છે એની ખબર પડે છે અને એટલે જ, રાઇટ એટલે જ, તે ક્યાંય સબ્જેક્ટ સાથે અન્યાય નથી કરતો.
અભય દેઉલ જેવા મોટા નામને તમે કાસ્ટ કરતા હો ત્યારે તમને એ વાતનું ટેન્શન હોવું જોઈએ કે તે ક્યાંક પોતાની સ્પેસિફિક સ્પેસ માગશે, પણ ના, ‘ટ્રાયલ બાય ફાયર’ જોયા પછી ખરેખર તમને ખુશી થાય કે આ માણસ પોતાનું કામ કરવામાં માને છે અને તેના હિસ્સામાં જે કામ આવ્યું હોય એ કામ કરીને આગળ વધવામાં માને છે. આ વેબ-સિરીઝ જોયા પછી તમે પણ સ્વીકારશો કે અભય દેઉલ બલરાજ સાહની છે. મેં તો તેમને આ વાત મેસેજ કરીને પણ કહી અને તેમણે મને સામે મોટું બધું લાફ્ટર પણ મોકલાવ્યું પણ એ લાફ્ટરમાં ખરેખર તેમની સૌમ્યતા હતી.
‘ટ્રાયલ બાય ફાયર’ની બીજી પણ એક ખાસ વાત કહું. રાજશ્રી દેશપાંડે એટલે કે જેણે નીલમ કૃષ્ણમૂર્તિનું કૅરૅક્ટર કર્યું છે એ પણ અદ્ભુત છે. સતત વિચારોમાં ખોવાયેલી રહેતી અને એ પછી પણ પોતાનો ધ્યેય ક્યાંય નહીં ભૂલતી લેડીના કૅરૅક્ટરમાં રાજશ્રી એ સ્તરે ઓતપ્રોત થઈ છે કે તમે કલ્પના પણ ન કરી શકો. ડિરેક્ટર-પ્રોડ્યુસર હંસલ મહેતાએ તો આ વેબ-સિરીઝ જોઈને કહ્યું પણ ખરું કે રાજશ્રીનો પર્ફોર્મન્સ એટલો તગડો છે કે તેને ગ્રેમી અવૉર્ડ મળવો જોઈએ અને એ સ્ટેટમેન્ટ જરા પણ ખોટું કે અતિશયોક્તિ સાથેનું નથી. ચિલ્લમચિલ્લી કર્યા વિના પણ, ટિપિકલ ડ્રામા ઊભા કર્યા વિના પણ રાજશ્રી દેશપાંડે આખા સીન પર પોતાની સિગ્નેચર છોડે છે અને એ પણ એવી રીતે કે વેબ-સિરીઝનો એપિસોડ પૂરો કર્યા પછી પણ એ તમારા મન પરથી હટી ન હોય!