દીકરાના પહેલા બર્થ-ડે નિમિત્તે તારા ગામનાં બાળકોનું મોતિયાબિંદુનું ઑપરેશન કરાવશે અમ્રિતા અને અનમોલ
દીકરાના પહેલા બર્થ-ડેએ ગામનાં બાળકોનું મોતિયાબિંદુનું ઑપરેશન કરાવશે અમ્રિતા
અમ્રિતા રાવે અને આરજે અનમોલે તેમના દીકરાનો પહેલો બર્થ-ડે જરૂરતમંદના જીવનમાં ઉજાસ રેલાવીને સેલિબ્રેટ કરવાનો ફેંસલો લીધો છે. ગયા વર્ષે ૨૦૨૦ની ૧ નવેમ્બરે અમ્રિતાએ દીકરા વીરને જન્મ આપ્યો હતો. એ વાતની ખુશખબરી સોશ્યલ મીડિયામાં તેમણે આપી હતી. બર્થ-ડે સેલિબ્રેશન ખૂબ સાદાઈથી કરવામાં આવશે. કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી એથી માત્ર નિકટના ફૅમિલી સદસ્યોની સાથે સેલિબ્રેશન કરવામાં આવશે. ઍનિમલ થીમની કેક હશે, બલૂન્સથી સજાવટ કરવામાં આવશે. જોકે આ બધાની વચ્ચે અમ્રિતા અને અનમોલે એક ખાસ અને યાદગાર ગિફ્ટ આપવાનો ફેંસલો લીધો છે. એ ગિફટ કોઈ મોંઘાં રમકડાં કે કપડાં નહીં હોય. વીર વતી તારા ગામના ‘યુસુફ મહેરઅલી સેન્ટર’નાં શારીરિક રૂપે અક્ષમ વરિષ્ઠ નાગરિકો અને આદિવાસી બાળકોનું નિઃશુલ્ક સેનિલ મોતિયાબિંદુનું ઑપરેશન કરવામાં આવશે. ખરેખર અમ્રિતા અને અનમોલે ખૂબ જ ઉત્તમ પહેલ કરી છે.

