તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૈલાસની યાત્રા કરી હતી અને એનો ફોટો પણ શૅર કર્યો હતો.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને એક બાબતને લઈને અફસોસ વ્યક્ત કર્યો છે. તેમને કૈલાસ પર્વતની યાત્રા ન કરવાનો વસવસો છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૈલાસની યાત્રા કરી હતી અને એનો ફોટો પણ શૅર કર્યો હતો. પિથૌરાગઢમાં આવેલા પાર્વતી કુંડમાં અને જોગેશ્વર ધામમાં જઈને પણ તેમણે પૂજા કરી હતી. આ પવિત્ર ધાર્મિક સ્થળની યાત્રા કરવા દર વર્ષે ભક્તો જાય છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી આ રમણીય પર્વત પર ધ્યાન કરતાં હોય છે. પીએમ મોદીનો આ ફોટો જોઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘કૈલાસ પર્વતની ધાર્મિકતા, રહસ્ય અને દિવ્યતા મને લાંબા સમયથી આકર્ષિત કરતી આવી છે. જોકે અફસોસની વાત એ છે કે હું કદી પણ વ્યક્તિગત રૂપે એને જોઈ નથી શક્યો.’

