અભય દેઓલની ‘જંગલ ક્રાય’ દ્વારા અમેરિકન ઍક્ટ્રેસ એમિલી શાહ હવે બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
અભય દેઓલની ‘જંગલ ક્રાય’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે અમેરિકન ઍક્ટ્રેસ એમિલી શાહ
અભય દેઓલની ‘જંગલ ક્રાય’ દ્વારા અમેરિકન ઍક્ટ્રેસ એમિલી શાહ હવે બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ જૂનમાં રિલીઝ કરવામાં આવશે. શિકાગોમાં તેનો જન્મ થયો હતો અને ન્યુ જર્સીમાં તે મોટી થયેલી એમિલી હિન્દી અને ગુજરાતી ખૂબ જ સારી રીતે બોલી જાણે છે. તે ગુજરાતી ફૅમિલીની છે. ૨૦૦૨માં આવેલી ‘કહતા હૈ દિલ બાર બાર’માં તેણે ચાઇલ્ડ ઍક્ટ્રેસનો સાઇડ રોલ કર્યો હતો. ત્યાર બાદ તેણે હૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 7’માં તેણે અસિસ્ટન્ટ ડિરેક્ટર અને ‘કૅપ્ટન અમેરિકા : ધ વિન્ટર સોલ્જર’માં તેણે પ્રોડક્શન અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. બૉલીવુડમાં ડેબ્યુ વિશે એમિલીએ કહ્યું કે ‘આ ફિલ્મમાં ગરીબ આદિવાસી બાળકોની સ્ટોરી છે જેઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આ ફિલ્મમાં હું સ્પોર્ટ્સ થેરપિસ્ટ રોશનીનું પાત્ર ભજવી રહી છું. આ નામ મેં પસંદ કર્યું હતું, કારણ કે તે ફિલ્મમાં ખરેખર એક રોશની લઈને આવે છે. બૉલીવુડમાં કામ કરવા માટે હું ખાસ ફિલ્મની રાહ જોઈ રહી હતી. ઍક્ટિંગ કરવી એક અલગ વાત છે અને સારી સ્ટોરીમાં ઍક્ટિંગ કરવી અલગ વાત છે. આથી જ મેં ‘જંગલ ક્રાય’ને પસંદ કરી. આ એક એવી સ્ટોરી છે જેને કહેવી જરૂરી છે. આ ફિલ્મનો કોઈ પણ રીતે પાર્ટ બનવા હું તૈયાર હોત. નૉન-કમર્શિયલ ફિલ્મ દ્વારા મારી ઍક્ટિંગ ક્ષમતા દેખાડવા માટે હું ઉત્સુક છું. હું ગમે ત્યારે મસાલા ફિલ્મ કરી શકું છું અને એમાં હું જલદી ડાન્સ પણ કરવા માગું છું.’