તેણે કહ્યું કે તે પરિવારને મળશે અને બનતી તમામ સહાય આપશે, ઘાયલ શ્રીતેજની સારવારનો ખર્ચ પણ ઉપાડી લેશે
ફાઇલ તસવીર
બુધવારે રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ના પ્રીમિયર વખતે થયેલી નાસભાગમાં ૩૫ વર્ષની રેવતી નામની મહિલા મૃત્યુ પામી હતી અને તેનો ૧૩ વર્ષનો શ્રીતેજ નામનો દીકરો ગંભીર રીતે જખમી થયો હતો. આ ઘટનાથી ફિલ્મસ્ટાર અલ્લુ અર્જુનને પારાવાર દુઃખ થયું છે અને તેને આઘાત લાગ્યો છે. શુક્રવારે તેણે આ પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. આ જાણકારી તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં આપી હતી.
અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘આ ઘટનાથી મને ઘણું દુઃખ થયું છે. ફિલ્મનું પ્રીમિયર જોવા ગયેલા પરિવારને આવી પડેલા દુઃખમાં મારી સાંત્વના છે પણ આ દુઃખમાં તેઓ એકલા નથી, હું પણ તેમની સાથે છું.’
ADVERTISEMENT
અલ્લુ અર્જુને ખાતરી આપી છે કે તે આ પરિવારના સભ્યોને વ્યક્તિગત રીતે મળશે અને તેનાથી બનતી તમામ સહાય કરશે. ઘાયલ થયેલા શ્રીતેજની સારવારનો તમામ ખર્ચ પણ ઉપાડી લેવાની તેણે ખાતરી આપી છે. હજી પણ તે ગંભીર સ્થિતિમાં છે. આ મુદ્દે તેણે તેલુગુમાં એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે આ પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય કરશે.

