આલિયા ભટ્ટ બનશે બોયફ્રેન્ડ રણબીર કપૂરની પાડોશી, બાજુમાં લીધો નવો ફ્લેટ
આલિયા ભટ્ટ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) માટે ખુશીનો માહોલ છે. કારણકે અભિનેત્રી વધુ એક ફ્લેટની માલકિન બની ગઈ છે. આલિયા ભટ્ટે મુંબઈમાં બીજો ફ્લેટ ખરીદ્યો હોવાના અહેવાલ છે. આ ફ્લેટ તેણે કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂર (Ranbir Kapoor)ના ફ્લેટની બાજુમાં જ લીધો છે. આલિયાનો એક ફ્લેટ જુહૂમાં છે અને હવે તેણે બાન્દ્રામાં નવો ફ્લેટ લીધો છે. લંડનમાં પણ આલિયાનું એક ઘર છે.
રણબીર કપૂર બાન્દ્રાના વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં સાતમા માળે રહે છે. પિન્કવિલાના અહેવાલ પ્રમાણે, આલિયાએ આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો ફ્લેટ 2460 સ્કેવર ફૂટનો છે અને આ ફ્લેટની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ ક્રિષ્ના રાજ બંગલોની એકદમ નજીકમાં છે. આલિયાના નવા ફ્લેટનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ગૌરી ખાન જ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રણબીરના ઘરનું ઈન્ટિરિયર પણ ગૌરી ખાને જ કર્યું હતું. ધનતેરસના દિવસે ભટ્ટ પરિવારે આ ઘરમાં નાનકડું હવન કર્યું હતું. આ હવનમાં રણબીર કપૂર, અયાન મુખર્જી, કરણ જોહર તથા પરિવારના સભ્યો સામેલ રહ્યાં હતાં.
ADVERTISEMENT
અભિનેત્રીનું સપનું હતું કે, લંડનમાં તેનું પોતાનું ઘર હોય. 2018માં તેનું આ સપનું સાકાર થયું હતું. તેણે લંડનમાં કોવેન્ટ ગાર્ડનમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. અહીંયા તેની બહેન શાહીન અવાર-નવાર રહેવા આવતી હોય છે.
આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે પોતાનો પહેલો ફ્લેટ જુહૂમાં ખરીદ્યો હતો. આ ફ્લેટ તેણે 13.11 કરોડમાં લીધો હતો. રોકાણ અંગે આલિયાએ કહ્યું હતું કે તેને હજી પણ રોકાણમાં ખાસ ગતાગમ પડતી નથી. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી તે આ બધું શીખી રહી છે. તેણે જુહુમાં ઘર ખરીદ્યું તે તેની પહેલી પ્રોપર્ટી છે. તે FD, બોન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

