કહે છે કે આ પરિસ્થિતિમાં પણ મેં ક્યારેય વિગ પહેરવાનો વિકલ્પ પસંદ નહોતો કર્યો
અક્ષય ખન્ના
અક્ષય ખન્ના હાલમાં પોતાની ફિલ્મ ‘છાવા’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન વખતે એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના વાળ ખરવાની સમસ્યાની તેના પર શું અસર થઈ હતી એ વિશે વિગતવાર વાત કરી છે. અક્ષયે જણાવ્યું હતું કે મારા વાળ બહુ નાની ઉંમરે ખરવા માંડ્યા હતા અને આ વાતની મારા આત્મવિશ્વાસ પર બહુ ખરાબ અસર પડી હતી.
પોતાના આ અનુભવ વિશે વાત કરતાં અક્ષય ખન્નાએ કહ્યું હતું કે ‘મને બહુ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યા થઈ હતી અને મને ટાલ પડી રહી હતી. મારા માટે આ બહુ શૉકિંગ હતું. મને એ દિવસોમાં બહુ ખરાબ લાગતું હતું. જ્યાં સુધી તમને એની આદત નથી પડતી ત્યાં સુધી બહુ તકલીફ થાય છે, પણ પછી આદત પડી જાય છે. જોકે આને કારણે મને બહુ દુઃખ થતું હતું.’
ADVERTISEMENT
આ વાતની કરીઅર પર પડેલી અસર વિશે અક્ષય ખન્નાએ કહ્યું કે ‘આને કારણે તમારી કરીઅરનાં એક-બે વર્ષ જાણે ખોવાઈ જાય છે, કારણ કે એક ઍક્ટર માટે તેનો દેખાવ બહુ મહત્ત્વનો હોય છે. શરીરમાં કોઈ તકલીફ હોય તો છુપાવી શકાય, ચહેરો સંતાડી નથી શકાતો. ૧૯-૨૦ વર્ષની ઉંમરે આવી તકલીફમાંથી પસાર થવાનો અનુભવ બહુ કપરો હોય છે. એ તમને માનસિક રીતે તોડી નાખે છે. એક યંગ ઍક્ટર તરીકે આ પરિસ્થિતિએ મારો આત્મવિશ્વાસ તોડી નાખ્યો હતો. જોકે આમ છતાં મેં વિગ પહેરવાનો વિકલ્પ નહોતો અપનાવ્યો. એ મારી પોતાની ચૉઇસ હતી.’

