સિદ્ધાર્થને આગામી ફિલ્મ માટે અક્કી આપી રહ્યો છે ટ્રેઇનિંગ?
સોનાલી જોશી-પિતળે
અક્ષયકુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૨૦૧૫માં આવેલી ‘બ્રધર્સ’માં સાથે કામ કર્યું હતું અને એ વખતે અક્ષયકુમારે સિદ્ધાર્થને ટ્રેઇન પણ કર્યો હતો, પરંતુ હાલમાં એવી વાતો ચાલી રહી છે કે તે ફરી સિદ્ધાર્થને તેની આગામી ફિલ્મ માટે ટ્રેઇન કરી રહ્યો છે. સિદ્ધાર્થની આગામી ફિલ્મ જૅકલિન ફર્નાન્ડિસ સાથે છે જે ઍક્શન ફિલ્મ છે. એ માટે સિદ્ધાર્થ અક્કી પાસે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. એ વિશે વધુ જણાવતાં સૂત્રે કહ્યું હતું કે ‘સિદ્ધાર્થ તેની ફિલ્મમાં કેટલાક સ્ટન્ટ જાતે કરી રહ્યો હોવાથી તે એ માટે બૉડી બનાવી રહ્યો છે. તે હાલમાં અક્ષયકુમાર સાથે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે તેમ જ અક્ષયકુમારનો પર્સનલ ફૉરેનર ટ્રેઇનર પણ છે તેની પાસે પણ તે ટ્રેઇનિંગ લે છે. તેઓ અક્ષયકુમારના પર્સનલ જિમમાં કસરત કરે છે. કોઈ વ્યક્તિ જિમની નજીક આવી તેમના ફોટો ન પાડી લે એ માટે અક્કીના બૉડીગાર્ડને ખાસ કાળજી લેવાનું કહેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં મીડિયા સિદ્ધાર્થનો પીછો કરી રહ્યું હતું, પરંતુ અક્કીના બૉડીગાર્ડે વચ્ચે પડીને સિદ્ધાર્થનો પીછો છોડાવ્યો હતો.’
સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી હેરસ્ટાઇલ
ADVERTISEMENT
મંગળવારે રાતે સિદ્ધાર્થ મલ્હોત્રા વસોર્વામાં આવેલા સેલિબ્રિટી સૅલોંમાં જોવા મળ્યો હતો. સૅલોંની બહાર નીકળતી વખતે તેણે ટોપી પહેરી હતી અને તેના વાળ લાંબા દેખાઈ રહ્યા હતા એથી એવું લાગી રહ્યું છે કે આ તેની જૅકલિન ફર્નાન્ડિસ સાથેની ફિલ્મનો લુક હશે. તસવીર : યોગેન શાહ