તેણે કહ્યું કે તકલીફ થાય છે અને એની અસર પણ પડે છે
અક્ષયકુમાર
અક્ષયકુમારની છેલ્લા થોડા વખતથી ફિલ્મો ફ્લૉપ થઈ રહી છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરફિરા’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ છે. અક્ષયકુમાર જણાવે છે કે લૉકડાઉન બાદ ફિલ્મોની પસંદગી તે ખૂબ સમજી-વિચારીને કરે છે. તે દર્શકોને હટકે અને મનોરંજન આપી શકે એવી ફિલ્મો બનાવવા માગે છે. ફિલ્મો ફ્લૉપ થાય તો એમાંથી પણ કંઈ શીખવા મળે છે એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘દરેક ફિલ્મની પાછળ અતિશય મહેનત કરવામાં આવે છે. એવામાં ફિલ્મ જો ફ્લૉપ થાય તો તકલીફ થાય છે. જોકે દરેક નિષ્ફળતા આપણને સફળતાની કદર કરતાં શીખવાડે છે.’
સાથે જ ફિલ્મો ફ્લૉપ થતાં પીડા થાય છે એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘સદ્નસીબે હું કરીઅરની શરૂઆતમાં જ શીખી ગયો હતો કે એમાંથી કઈ રીતે બહાર આવવું. જોકે એનાથી તકલીફ તો થાય છે અને એની અસર પણ પડે છે, પરંતુ એનાથી ફિલ્મનું નસીબ નથી બદલાઈ જવાનું. આ બાબત તમારા હાથમાં નથી. તમે સખત મહેનત કરો એ જ તમારા હાથમાં છે અને આગામી ફિલ્મમાં પૂરું સમર્પણ આપો. આવી રીતે હું મારી એનર્જીનો ઉપયોગ કરું છું અને અન્ય ફિલ્મમાં ઓતપ્રોત થઈ જાઉં છું. એવી વસ્તુમાં હું મારી ઊર્જાનો ઉપયોગ કરું છું જેમાં એની વધુ જરૂર હોય છે.’