પડતીમાં સાન ઠેકાણે આવ્યા પછી અક્ષય કુમારની હવે સુફિયાણી વાતો
અક્ષય કુમાર
અક્ષય કુમાર આજકાલ પડતીના દિવસો જોઈ રહ્યો છે અને જીવનના આ તબક્કાએ તેને નમ્ર બનાવી દીધો છે. શનિવારે દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં તેણે જે વાતો કરી એ સાબિત કરે છે કે નિષ્ફળતાએ અક્ષયની સાન ઠેકાણે લાવી દીધી છે.
અક્ષય વર્ષોથી નૉન રેસિડન્ટ ઇન્ડિયન (NRI) હતો, કૅનેડાનું નાગરિકત્વ ધરાવતો હતો. આ બાબતે તેની ઘણી ટીકા થતી હતી, તેના દેશપ્રેમ સામે શંકા વ્યક્ત થતી હતી; પણ અક્ષયે ક્યારેય એની દરકાર કરી નહોતી. જોકે બૉલીવુડમાં એના માઠા દિવસો શરૂ થયા એ પછી કદાચ પોતાની ઇમેજ સુધારવા તેણે ગયા વર્ષે કૅનેડાની સિટિઝનશિપ છોડીને ભારતનો પાસપોર્ટ મેળવ્યો હતો.
ADVERTISEMENT
કૅનેડાની સિટિઝનશિપ શા માટે સ્વીકારી એના વિશે અક્ષયે શનિવારે દિલ્હીની ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘એ વખતે મારી ફિલ્મો નહોતી ચાલી રહી. કૅનેડામાં મને એક મિત્ર મારફત કાર્ગોમાં કામ મળી રહ્યું હતું એટલે મેં ત્યાંનું નાગરિકત્વ લીધું હતું. જોકે ત્યાર પછી મારી બે ફિલ્મો હિટ ગઈ, બીજી ફિલ્મો પણ સફળ થઈ અને હું કૅનેડાની સિટિઝનશિપ વિશે ભૂલી ગયો.’
ત્રણ-ચાર વર્ષ પહેલાં મેં જાહેરમાં કહ્યું હતું કે હું કૅનેડાની સિટિઝનશિપ છોડી દઈશ એમ જણાવતાં અક્ષયે કહ્યું હતું કે ‘હું મગજથી, દિલથી અને આત્માથી ભારતીય છું; હંમેશાં રહીશ.’