આ ગીતના કેટલાક સીન સામે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો
અક્ષય કુમારે ભગવાન શિવ પર તેનું ગીત ‘મહાકાલ ચલો’ રિલીઝ કર્યું છે.
૨૬ ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રિ પહેલાં અક્ષય કુમારે ભગવાન શિવ પર તેનું ગીત ‘મહાકાલ ચલો’ રિલીઝ કર્યું છે. આ ગીત અક્ષય કુમારે સિંગર પલાશ સેન સાથે ગાયું છે અને ગીતમાં બન્નેને દર્શાવવામાં આવ્યા છે. આ સૉન્ગની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે. જોકે આ ગીત રિલીઝ થતાંની સાથે જ વિવાદ સર્જાયો છે.
આ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર શિવલિંગને પકડીને બેઠેલો જોવા મળે છે. ગીતમાં જ્યારે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે ત્યારે અક્ષય કુમારે શિવલિંગ પકડી રાખ્યું છે અને ગીતના બીજા સીનમાં બાબા મહાકાલની જેમ શિવલિંગને ભસ્મ અર્પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ ગીતના કેટલાક સીન સામે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારીએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે હિન્દુ અને સનાતન ધર્મનું અપમાન ન થવું જોઈએ. વિરોધનું કારણ જણાવતાં પૂજારીએ કહ્યું છે કે ‘ગીતની શરૂઆતમાં ‘મહાકાલ ચલો’ શબ્દ કહેવામાં આવ્યા છે એ સારી વાત છે, પરંતુ ગીતમાં અક્ષય કુમાર શિવલિંગને બાથ ભરીને બેઠેલો જોવા મળે છે અને એ સમયે શિવલિંગનો અભિષેક થાય છે. શિવલિંગ સાથે વ્યક્તિ પર અભિષેક કરવાની હરકત તદ્દન ખોટી છે.’
આ સિવાય ગીતમાં શિવલિંગને ભસ્મ અર્પણ કરવાનો મુદ્દો પણ વિવાદાસ્પદ બન્યો છે. હકીકતમાં માત્ર બાબા મહાકાલના શિવલિંગ પર જ ભસ્મ ચડાવવામાં આવે છે, પણ ગીતના શૂટિંગ વખતે સ્ટુડિયોમાં બનાવવામાં આવેલા શિવલિંગ પર ભસ્મ ચડાવીને મહાકાલનું અપમાન કરવામાં આવ્યું છે એવું પૂજારીએ જણાવ્યું છે.

