અક્ષયે ૨.૩૮ કરોડ રૂપિયામાં ખરીદેલો ફ્લૅટ ૪.૨૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે
અક્ષય કુમાર
અક્ષય કુમારે હાલમાં બોરીવલી-ઈસ્ટમાં આવેલો પોતાનો એક ફ્લૅટ વેચી નાખ્યો છે અને તેને આ ડીલમાં નફો થયો છે. અક્ષયે ૨૦૧૭માં ઑબેરૉય રિયલ્ટી દ્વારા ડેવલપ કરવામાં આવેલા સ્કાય સિટીમાં ૨.૩૮ કરોડ રૂપિયામાં આ ફ્લૅટ ખરીદ્યો હતો અને હવે એ ૪.૨૫ કરોડ રૂપિયામાં વેચી નાખ્યો હોવાના સમાચાર છે. સ્કાય સિટી પ્રોજેક્ટ ૨૫ એકર એરિયામાં ફેલાયેલો છે અને એની ગણતરી મુંબઈની લોકપ્રિય સોસાયટીમાં થાય છે. આ સોસાયટીમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની પણ કેટલીક પ્રૉપર્ટી છે.
અક્ષયે ૨.૩૮ કરોડ રૂપિયામાં ખરીદેલો ફ્લૅટ ૪.૨૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે એટલે એમ કહી શકાય કે આ ડીલમાં તેને ૧.૮૭ કરોડ રૂપિયા એટલે અંદાજે ૭૮ ટકા જેટલો નફો થયો છે. રિપોર્ટ પ્રમાણે આ ડીલ ૨૦૧૫ની ૨૧ જાન્યુઆરીએ રજિસ્ટર્ડ થઈ હતી. દસ્તાવેજ પ્રમાણે આ અપાર્ટમેન્ટનો એરિયા ૧૦૭૩ ચોરસ ફીટ જેટલો છે. એમાં બે પાર્કિંગ સ્લૉટ પણ છે. અક્ષય કુમારે આ ફ્લૅટની કિંમત ૩૯,૫૨૨ રૂપિયા પ્રતિ ચોરસ ફીટના ભાવે નક્કી કરી છે. આ લેવડદેવડમાં ૨૫.૫ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી પેટે અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન પાછળ ખર્ચવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેટલી પ્રૉપર્ટી છે અક્ષય પાસે?
અક્ષય કુમારે પ્રૉપર્ટીમાં ઘણું રોકાણ કર્યું છે. ભારતમાં તેની પાસે મુંબઈ અને ગોવામાં કેટલાંક ઘર છે. આ સિવાય તેની પાસે કૅનેડા અને મૉરિશિયસમાં પણ બંગલા છે. રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર પાસે જુહુમાં બીચફ્રન્ટ બંગલો છે જેમાં તે હાલમાં રહે છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં અક્ષય કુમાર પાસે ચાર ફ્લૅટ છે અને તે ગોવામાં આલિશાન બંગલાનો માલિક છે. આ પહેલાં પણ અક્ષય કુમારે ૨૦૨૨માં મુંબઈના અંધેરી-વેસ્ટમાં ડબ્બુ મલિકને પોતાની એક પ્રૉપર્ટી છ કરોડ રૂપિયામાં વેચી હતી.